મોરબી સીરામીક એસોસિએશન “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં ભાગ લેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ)તા.18, અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ફિલ્મી હસ્તીઓ, ક્રિકેટરો અને નેતાઓ સહિતના મહાનુભાવોની સાથોસાથ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે મોરબીના સિરામિક એસો.ને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેને માન આપીને ઘણા ઉદ્યોગકારો આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જવાના છે. આગામી 24મી ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદનાં મોટેરામાં નવનિર્મિત વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે. અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે ઇન્ડેક્સ – ડી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરબી સિરામિક એસોસિએશનને પણ અમદાવાદના મોટેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ગૌરવાન્વિત ક્ષણોમાં મોરબી સિરામિક એસોસિએશન સહભાગી થવાનું છે. મોરબીના સિરામિક માટે અમેરિકાનું માર્કેટ ઘણી તક આપનાર છે. અમેરિકા અને ભારતના સંબંધો હજુ વધુ સારા બને તો મોરબીના સિરામિક ઉદ્યોગને ઘણો ફાયદો થઈ શકે તેમ હોઈ આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.