Home Blog Page 1133

ધોરણ 10ના વિદ્યાર્થીનું પરિણામ આ રીતે તૈયાર થશે, જુલાઈના બીજા અઠવાડિયામાં મળશે માર્કશીટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

કોરોનાને કારણે વારંવાર બોર્ડની તારીખો જાહેર કર્યા બાદ આખરે કેન્દ્ર સરકારના આદેશ પછી રાજ્યના શિક્ષણ વિભાગે પણ ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ સામે હવે સૌથી મોટો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓનું પરિણામ કેવી રીતે તૈયાર કરવું. આ અંગે આજરોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ કેવી રીતે તૈયાર કરવામાં આવશે તેની માહિતી જાહેર કરી છે.]

આ રીતે તૈયાર થશે ધોરણ 10નું પરિણામ

સૌથી પહેલા તો નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 2 ભાગમાં થાય છે.

ભાગ-1: શાળાકીય આંતરિક મૂલ્યાંકન(20 માર્કસ)

શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેમના દ્વારા પંસદ કરાયેલા વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલા ધારા-ધોરણ મુજબ 20 માર્કસનું આંતરિક મૂલ્યાંકન કરવાનું રહેશે. આ માહિતી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનમાં અપડેટ શાળા દ્વારા કરવાની રહેશે.

ભાગ- 2: શાળાકીય કસોટીઓના આધારે મૂલ્યાંકન (80 માર્કસ)

A. ધોરણ 9ની પ્રાથમિક કસોટી કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40 %માં રૂપાંતરિક કરેલા માર્કસ

B. ધોરણ 9ની બીજી કસોટીના કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિક કરેલા માર્કસ

C.ધોરણ 10 દરમિયાન ઓનલાઈન કે ઓફલાઈન યોજાયેલી પ્રથમ સામાયિક કસોટીના કુલ 80 માર્કસમાંથી મેળવેલા માર્કસને 37.5%માં રૂપાંતરિક કરેલા માર્કસ

D. વિદ્યાર્થીના ધોરણ 10ની એકમ કસોટી(કુલ 25 માર્કસ)માંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિક કરેલા માર્કસ

શાળામાં પરિણામ સમિતિની રચના કરવી

ધોરણ 10ના પરિણામ તૈયાર કરવા માટે દરેક શાળાના આચાર્યની અધ્યક્ષતામાં માધ્યમિક શાળાના વિષય શિક્ષકોની એક સમિતિની રચના કરવાની રહેશે. પરિણામ તૈયાર થયા બાદ સમિતિએ તમામ આધારો પર સહી કરીને તારીખ લખવાની રહેશે. શાળાના પરિણામ માટે આ સમિતિ જવાબદાર રહેશે.

સમગ્ર પ્રક્રિયાનું સમયપત્રક

1. 4 જૂન થી 10 જૂન 2021 સુધીમાં બોર્ડ દ્વારા જાહેર કરેલ પધ્ધતિ મુજબ વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓ દ્વારા આખરીકરણ કરવાનું રહેશે

2. 8 જૂન થી 17 જૂન સુધીમાં શાળા દ્વારા તૈયાર કરેલ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી કરવાની રહેશે

3. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત જૂનના અંતિમ અઠવાડિયામાં કરવામાં આવશે.

4. જુલાઈના બીજા અઠવાડિયામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

સાઈકલમાં 1000 અને ઈ-બાઇકમાં રૂા.5000 સબસીડીનો પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

રાજકોટ મહાનગરપાલિકાએ બજેટમાં સબસીડી માટે વધુ 50 લાખની જોગવાઈ કરી

રાજકોટમાં વસવાટ કરતાં દરેક વ્યકિતને યોજનાનો લાભ મળવાપાત્ર છે: રાજકોટ શહેરમાં પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે મહાનગરપાલિકાએ સાયકલ અને ઈ-બાઈકને પ્રોત્સહન આપવા માટે સબસીડી યોજના અમલમાં મૂકી છે. જેની મુદ્દતમાં ફરી વખત વધારો કરવામાં આવ્યો છે. હવે પછી કોઈપણ વ્યકિત નવી સાયકલની ખરીદી કરે તેને 1000 રૂપિયા સબસીડી મળવાપાત્ર છે તેવી જ રીતે ઈ-બાઈક ખરીદનારને કોર્પોરેશન રૂા.5 હજાર સબસીડી આપશે. જેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સાયકલ શેરિંગના પ્રોજેક્ટનો વ્યાપ વધે અને પ્રદુષણની માત્ર ઘટે તેમજ સાયકલીંગ કરવાથી આરોગ્ય સારુ રહે તેવા શુભ હેતુથી ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ ખાસ રૂ.1 કરોડ ની તથા વર્ષ 2020-21ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજકેટ હેઠળ ખાસ રૂ.30 લાખ બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ યોજનાની અમલ તારીખ બાદ ફક્ત રાજકોટ શહેરના શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર રૂ.1000/- કુટુંબ દીઠ એક વ્યક્તિને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ 4,500 વ્યક્તિઓએ લાભ લીધેલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.45 લાખ જેટલી સબસીડી આપવામાં આવેલ. ચાલુ વર્ષ વર્ષ 2021-22ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ રૂ.50 લાખની બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે.

આજ 3 જુનના રોજ વિશ્વ સાયકલ દિવસ છે. તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ તા.15/07/2019

રાજકોટના રહીશ જે શહેરીજનો દ્વારા નવી સાયકલ ખરીદ કરવામાં આવેલ હોય તેને અલગથી રૂ.1000/- તેઓના બેક ખાતામાં વધારાનું વળતર (સબસીડી) આપવાનું મંજુર કરવામાં આવેલ છે.

અગાઉ કુટુંબ દીઠ એક વ્યક્તિને સાયકલ ખરીદનારને વળતર આપવામાં આવતું પરંતુ ચાલુ વર્ષે એક વ્યક્તિને બદલે સાયકલ ખરીદનાર તમામ વ્યક્તિઓને વળતર યોજનાનો લાભ આપવામાં આવશે. વિશેષમાં, વધુ ને વધુ પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં મહાનગરપાલિકા અનેક પગલાઓ લઇ રહી છે તેના ભાગરૂપે ચાલુ વર્ષે ઈ-બાઈક પ્રમોશન પ્રોજેક્ટ પણ મંજુર કરવામાં આવેલ છે અને જરૂરી બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ શહેરમાં રહેલો વ્યક્તિ નવું ઈ-બાઈક ખરીદ કરે તો આ યોજના હેઠળ રૂ.5000/- સબસીડી આપવાનું પણ મંજુર કરાયેલ છે.

યોજનાનો લાભ લેવા માટેના નિયમો: સાયકલ શેરિંગ યોજનાનો લાભ મેળવવા માટે રાજકોટ શહેરના નાગરિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઈટ પર સાયકલ પ્રમોશન યોજનાનું ફોર્મ સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક ભરી તેની પ્રિન્ટ કાઢી, જે તે વોર્ડમાં રહેતા હોય તે વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ જમા કરાવવાના રહેશે.

એક પરિવારના તમામ લોકોને લાભ મળશે: મહાનગરપાલિકાએ સાયકલ અને ઈ-બાઈકની ખરીદી કરનારને સબસીડી આપવાની જાહેરાત કરી છે. જેમાં અગાઉ એક પરિવારમાં એક વ્યકિતને સબસીડીનો લાભ મળતો હતો. પરંતુ, હવે એક પરિવારમાં એક કે વધુ સભ્યો ઈ-બાઈક અથવા સાયકલની ખરીદી કરશે તો તમામને સબસીડીનો લાભ મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

રાજ્યમાં મેઘરાજાના આગમન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

આજથી કેરળમાં ચોમાસાનું આગમન થયું છે જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ગુજરાતમાં પણ તેની શરૂઆત થઈ ચૂકી છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મોડી સાંજે બાદ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે વડાલી, પોશીના, બાલાસિનોરમાં એક-એક ઈંચ, શહેરા, ખેડબ્રહ્મા, સતલાસણામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં મોડી રાતે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા રોકડિયા પાકોને મોટું નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે. ગુજરાતમાં પ્રિ- મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે જેના કારણે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે ઉત્તર ગુજરાતના અનેક તાલુકા-જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના માણસામાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં વરસાદ વચ્ચે મેઘધનુષ્યનો અદ્દભૂત નજારો જોવા મળ્યો છે. આ સિવાય મોડાસા, મેઘરજ, ભિલોડા, બાયડ, ધનસુરા, શામળાજીમાં પવન સાથે વરસાદ પડ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં પણ વરસાદ છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા, માલપુર, ભિલોડમાં વહેલી સવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેને લઇ વાતાવરણમાં અતિશય બફારા વચ્ચે આશિક રાહત અનુભવાઈ હતી. બીજીબાજુ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું. ભારે પવનને કારણે બાજરી અને જારના પાકનો સોથ વળી જવા પામ્યો છે. જારનો કાપણી કરેલ પાક ભીનો થઈ જવા પામ્યો હતો.

ખેડા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર, સેવાલિયામાં પવન સાથે વરસાદ છે. ભારે પવન ફૂંકાતા વીજળી ગુલ થવાના પણ સમાચાર મળી રહ્યા છે. આજે એકાએક ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગળતેશ્વર તાલુકા સેવાલીયામાં પરોઢથી પવનની લહેર સાથે મેઘરાજાનું આગમન થયું છે. ભારે પવનો વાતો વૃક્ષો બિહામણા અવાજ સાથે ડોલ્યા હતા. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકાથી વાતાવરણ ગુંજયું હતું. ધીમીધારે વરસાદ શરૂ થતાં ગરમીથી આંશિક રાહત અનુભવાઈ રહી છે.

બનાસકાંઠાના દાંતામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના દાંતામાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. દાંતામાં રાત્રીના સમયમાં ફુલ વરસાદ પડ્યો છે. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હોવાનો સમાચાર છે. અચાનક આવેલા વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડુતોની ચિંતામાં વધારો થયો છે.

સૌરાષ્ટ્રમાં શુકન વર્તાય છે: હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતને અનેક જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે જેના ભાગ રૂપે અમદાવાદમાં ભારે વહેલી સવારે ભારે પવન ફુંકાયો તો અને વાતાવરણમાં પલટો આવી જતા વરસાદી માહોલ સર્જાયો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ધો.10ના પરિણામની પેટર્ન ધો.12માં લાગુ કરી ન શકાય

CBSE બોર્ડના પરિણામો અંગે એકસપર્ટ્સનો ‘અલગ’ મત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

સીબીએસઇની ધો.12ની પરીક્ષા રદ થઈ ગયા પછી એની રિઝલ્ટ પેટર્ન પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એજ્યુકેશન એક્સપર્ટ્સે પહેલા રદ થઈ ચૂકેલી ધો.10ની પરીક્ષાના પરિણામ માટે અપનાવવામાં આવેલી પેટર્નમાં ખામીઓ ગણાવવાની શરૂ કરી દીધી છે. તેમનું કહેવું છે કે ધો.12ના રિઝલ્ટમાં આ પેટર્નને લાગુ ન કરી શકાય. એને કારણે ઉચ્ચ અભ્યાસનો પ્લાન બનાવી રહેલા વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થઈ શકે છે.

આ પહેલાં કોરોના મહામારીની વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે પહેલી જૂને સમગ્ર દેશમાં ધો.12ની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ધો.12નું રિઝલ્ટ નક્કી સમય સીમાની અંદર અને તાર્કિક આધારે નક્કી કરવામાં આવશે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે અંતે વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ ક્યાં આધારે કરવામાં આવશે.

ધો.10ની પરીક્ષાઓ પહેલાં જ રદ કરી દેવામાં આવી છે. એનું રિઝલ્ટ તૈયાર કરવા માટે 5 સભ્ય ધરાવતી શિક્ષકોની ટીમની રચના દરેક સ્કૂલમાં કરવામાં આવી છે. આ ટીમ પણ ઈન્ટર્નલ એસેસમેન્ટના આધારે ધો.10નું રિઝલ્ટ તૈયાર કરશે.

એક્સપર્ટ્સનું માનવું છે કે તમામ સ્કૂલમાં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ એક્ઝામ માટે એકસમાન આધાર નથી. કેટલીક સ્કૂલોમાં બોર્ડ પરીક્ષાની સરખામણીએ વધુ સખતાઈથી યુનિટ ટેસ્ટ અને પ્રી-બોર્ડ એક્ઝામ કરાવવામાં આવે છે, જ્યારે ઘણી સ્કૂલોમાં એમાં બેદરકારી રાખવામાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

પત્ની પીડિત પતિની વ્હારે અદાલત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

પત્નીપીડિત પુરુષો વખતો વખત અવાજ ઉઠાવતા હોય છે. હવે ચેન્નાઈ હાઈ કોર્ટે પતિદેવની ફરિયાદ સાંભળી છે. ચેન્નાઈમાં પત્નીની હેરાનગતિથી પરેશાન પતિએ ફેમિલી કોર્ટમાં કરેલી અરજીનો ચુકાદો પતિની તરફેણમાં આવ્યો છે. કેસની સુનાવણી દરમિયાન પત્નીએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આક્ષેપ કર્યો હતો તેના આધારે પતિને સરકારી નોકરીમાંથી બરતરફ કરાયો. બરતરફી વિરુદ્ધ તેમણે મદ્રાસ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. હાઈ કોર્ટે કેસમાં આ વ્યક્તિની પત્નીને પણ સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં પત્ની હાજર નહીં રહેતાં છેવટે કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપ્યો અને પત્નીના આરોપોના મુદ્દે કહ્યં કે તમારા આરોપોની ચકાસણી યોગ્ય ફોરમ કરશે. હાઈ કોર્ટે પતિની નોકરી 15 દિવસમાં ચાલુ કરવાનો આદેશ આપ્યો છે. તેમ જ સરકારને બરતરફીના સમયનો સંપૂર્ણ પગાર આપવાના નિર્દેશ પણ આપ્યા છે.

ઘરેલુ હિંસા પુરુષ વિરુદ્ધ ફરિયાદ મહિલા કરે તો પુરુષની તરફેણમાં ચુકાદો ભાગ્યે જ આવતો હોય છે. કાયદો બધા માટે સમાન હોવા છતાં ઘરેલુ હિંસા પ્રકરણે મહિલા અને પુરુષ માટે અર્થઘટન બદલાતું હોવાનું જોવા મળ્યું છે. મહિલા દ્વારા પુરુષો પરની ઘરેલુ હિંસાથી પુરુષને રક્ષણ આપતો કોઈ કાયદો આપણે ત્યાં નથી. આમ છતાં કોર્ટ જો આવા પ્રકરણમાં ઊંડાણમાં જાય તો પુરુષોને ન્યાય મળી શકે છે તે ચેન્નાઈ હાઈ કોર્ટમાં ચુકાદા પરથી સ્પષ્ટ થાય છે.

વર્તમાન પેઢીએ સમજવું પડશે કે લગ્ન એક સંસ્કાર છે, કોઈ કરાર નથી. બેશક ઘરેલુ હિંસા અધિનિયમ-2005 લાગુ થયા પછી સંસ્કારનું અસ્તિત્વ નથી રહ્યું. આ કાયદો લિવ-ઈન સંબંધોને પણ મંજૂરી આપે છે. આમ છતાં મહિલાઓએ સમજી લેવું જોઈએ કે અહંકાર અને સહિષ્ણુતા તેમને અને કુટુંબીઓને નરક બનાવી શકે છે અને અંતે બાળકોએ પણ આ સ્થિતિનો સામનો કરવો પડે છે. આશા રાખીએ કે પતિઓ માટે પત્ની વિરુદ્ધ કાર્યવાહી કરવા ઘરેલુ હિંસા જેવો કાયદો બને.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!