અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ટેરીફ વોર તથા ચીન સહિતના દેશોએ પણ વળતો આકરો જવાબ આપવાનું શરૂ કરતા સર્જાયેલી વ્યાપારીક ડિપ્લોમેટીક અફડાતફડીમાં જે રીતે અમેરિકી શેરબજારમાં જબરા કડાકા ભડાકા થઈ રહ્યા છે.

ટ્રમ્પની આ નીતિ જો આગળ વધે તો અમેરિકા સહિત દુનિયામાં મંદીની પણ ચેતવણી મળવા લાગતા અમેરિકામાં ટ્રમ્પનીતિ સામે વિરોધ વધતા હવે આગામી તા.10ના રોજ ટ્રમ્પ ટેરીફ લાગું થાય તે પુર્વે જ હવે પ્રમુખ ટ્રમ્પ ઢીલા પડી ગયા હોવાના સંકેત છે.

છેલ્લા બે દિવસના અમેરિકી શેરબજારના કડાકાએ જ 9 લાખ કરોડથી સંપતિ ધોઈ નાખી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પના સૂર બદલાયા છે તેમાં હવે ટેરીફ મુદે હાલ ચીનને કોઈ મચક આપવાના મુડમાં નથી પણ ભારત યુરોપીયન દેશો અને વિયેતનામ સાથે ચર્ચા કરીને ટેરીફ મુદો હલ કરવા માંગે છે.

આમ પણ ભારત અને અમેરિકાની દ્વીપક્ષી વ્યાપાર સમજુતીની વાટાઘાટો તો ચાલુ જ છે અને તેમાં મોદી સરકાર અમેરિકાના ટેરીફનો તાપ ઓછામાં ઓછો રહે તે સુનિશ્ચિત કરવા જઈ રહી છે. ચીન અને અમેરિકા વચ્ચે ટેરીફ સિવાયના મુદાઓ પણ છે અને તેથી તે મોરચો હાલ બહું કોઈ સમજુતી શકય નથી.

ટ્રમ્પ શાસને એ સંદેશો મોકલાવ્યો છે કે જેઓને આ ટેરીફથી ચિંતા છે. તેઓ વાટાઘાટના ટેબલ પર આવે તેઓ ભડકવાના બદલે ફોન પર વાત શરૂ કરે ટ્રમ્પે ખુદે આ સંકેત આપતા તેમના સોશ્યલ મીડીયા હેન્ડલ પર વિયેતનામનો ઉલ્લેખ કરતા લખ્યુ કે વિયેતનામના કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચીવ (દેશના વડા)એ એક પ્રસ્તાવ મુકયો છે અને તેમાં જો પરસ્પર સમજુતી થઈ જાય તો ટેરીફ શુન્ય સુધી જઈ શકે છે.

વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ ભારત-વિયેતનામ અને ઈઝરાયેલ સાથે સમજુતી કરીને ટ્રમ્પ અન્ય દેશોને સંદેશ આપી શકે છે અને હાલ જે રીતે વૈશ્વિક મંદીની ચિંતા છે તે અમેરિકાને સૌથી વધુ અસર કરે તો ટ્રમ્પ માટે પછી બચાવ કરવો મુશ્કેલ બની જશે.





























