મોરબી: રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. મકાઈ, બાજરી, જુવાર અને રાગી જેવા અનાજને લઘુતમ ટેકાના ભાવે વેચવા ઇચ્છુક ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા ૧ એપ્રિલથી શરૂ કરવામાં આવી છે અને ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.

ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવ્યા છે:
મકાઈ: ₹૨,૨૨૫/- પ્રતિ ક્વિન્ટલ
બાજરી: ₹૨,૬૨૫/- પ્રતિ ક્વિન્ટલ (+ ₹૩૦૦ બોનસ)

જુવાર (હાઈબ્રીડ): ₹૩,૩૭૧/- પ્રતિ ક્વિન્ટલ
જુવાર (માલદંડી): ₹૩,૪૨૧/- પ્રતિ ક્વિન્ટલ (+ ₹૩૦૦ બોનસ)
રાગી: ₹૪,૨૯૦/- પ્રતિ ક્વિન્ટલ (+ ₹૩૦૦ બોનસ)

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે ટેકાના ભાવે આ અનાજોની ખરીદી ૧ મે ૨૦૨૫થી ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી કરવામાં આવશે.

ખેડૂતો માટે નોંધણી ઓનલાઇન પદ્ધતિથી, ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે થશે. નોંધણી માટે નીચેના દસ્તાવેજો ફરજીયાત રહેશે:
આધાર કાર્ડની નકલ
અધ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અ

પાક વાવણીની એન્ટ્રી (なહોય તો તલાટી સાઇન સિક્કાવાળો દાખલો)
બેંક પાસબુકની ઝેરોક્સ કે કેન્સલ ચેક
ખેડૂતોને બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન સાથે નોંધણી કરવી ફરજિયાત રહેશે. નોંધણી કરાયેલા ખેડૂતોને ખરીદી અંગે માહિતી SMS દ્વારા આપવામાં આવશે.

ખરીદી સમયે ખોટા દસ્તાવેજ અપલોડ કરનારાઓનો ક્રમ રદ કરવામાં આવશે અને તેઓને ખરીદી માટે જાણ કરાશે નહીં. કૃપા કરીને તમામ દસ્તાવેજો સાચા અને સચોટ રીતે રજૂ કરો.
કોઈ તકલીફ હોય તો હેલ્પલાઇન નંબરો ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરાયો છે.




























