જો તમને UPI પેમેન્ટ કરતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમે એકલા નથી. ભારતમાં UPI ડાઉન છે અને ઘણા યુઝર્સને UPI દ્વારા પેમેન્ટ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતભરના યુઝર્સ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ગૂગલ પે, પેટીએમ અને સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા (SBI) જેવા મુખ્ય પ્લેટફોર્મ પર પેમેન્ટ ફેઈલ થઈ રહ્યા છે. આખો દિવસ યુઝર્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ, દિવસભર આઉટેજના અહેવાલો વધ્યા, જે બપોર અને સાંજે ટોચ પર પહોંચ્યા, જેના કારણે ફંડ ટ્રાન્સફર, પેમેન્ટ અને ઍપ્લિકેશન કાર્યક્ષમતા પર અસર પડી.

નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) ની UPI સિસ્ટમમાં નોંધપાત્ર સંખ્યામાં સમસ્યાઓ જોવા મળી હતી. જેમાં 64% ફરિયાદો ફંડ ટ્રાન્સફર સંબંધિત હતી, ત્યારબાદ 28% ફરિયાદો પેમેન્ટ સંબંધિત હતી અને 8% ફરિયાદો ઍપ્લિકેશન સંબંધિત હતી. UPIમાં મુખ્ય ભાગીદાર સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા(SBI)ને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેમાં 57% યુઝર્સએ ફંડ ટ્રાન્સફર ફેઇલ થયાની જાણ કરી, 34% યુઝર્સએ મોબાઇલ બૅંકિંગ સમસ્યાઓનો સામનો કર્યો અને 9% યુઝર્સએ એકાઉન્ટ બેલેન્સ તપાસવામાં સમસ્યાઓનો સામનો કર્યો.

ડાઉનડિટેક્ટરના આઉટેજ ગ્રાફ પરથી જાણવા મળ્યું કે બપોરે 1:00થી 5:00 વાગ્યાની વચ્ચે UPI માટેના રિપોર્ટ્સમાં વધારો થયો હતો, જ્યારે SBIનો આઉટેજ પહેલા જ ટોચ પર હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પેમેન્ટ ફેઇલ, પેન્ડિંગ રિફંડ અને ઍપ્લિકેશન ક્રેશ થવાની ફરિયાદો થઈ હતી.

અત્યાર સુધી, NPCI કે અસરગ્રસ્ત બૅંકો અને પેમેન્ટ ઍપ્લિકેશનોએ આઉટેજનું કારણ સમજાવતું કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જોકે, પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ ટેકનિકલ ખામીના કારણે આ મુશ્કેલીઓ આવી રહી છે.






























