Sunday, April 20, 2025
HomeFeature1979માં તુટેલા-1989માં ફરી બંધાયેલા મચ્છુ-2ને આજથી ખાલી કરાશે : 33 ગેટ બદલાશે

1979માં તુટેલા-1989માં ફરી બંધાયેલા મચ્છુ-2ને આજથી ખાલી કરાશે : 33 ગેટ બદલાશે

36 વર્ષે દરવાજાનું આયુષ્ય પુરૂ થતા સૌથી મોટુ મેન્ટેનન્સ વર્ક શરૂ કરશે સિંચાઇ તંત્ર : મોરબી-માળીયાએ પાણી મેળવવા હવે પમ્પીંગ કરવું પડશે

મોરબીનો મહાકાય મચ્છુ ડેમ 1979માં તૂટ્યો હતો અને ત્યારબાદ તેને ફરીથી બાંધવામાં આવ્યો અને દરવાજા ફીટ કરવામાં આવ્યા હતા. 1989થી આ ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે અને ડેમના દરવાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાના કારણે તે દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે .

ગત વર્ષે આ ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા અને આ વર્ષે 33 દરવાજાઓને બદલવા માટે તેને કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેથી ડેમને ખાલી કરવા માટેનું કામ આજથી શરૂ કરવામાં આવશે.

મોરબી અને માળિયા તાલુકા માટે મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ આશીર્વાદ સમાન છે કેમકે આ ડેમ ચોમાસામાં 100 ટકા ભરાઈ જાય ત્યારબાદ આ બંને તાલુકામાં પીવાના પાણી તથા સિંચાઈના પાણી માટેનો પ્રશ્ન એક વર્ષ માટે ઉકેલાઈ જતો હોય છે જોકે, 1979 માં મોરબી જળ હોનારતની ઘટના બની હતી અને ત્યારે મચ્છુ ડેમ તૂટ્યો હતો જેથી મોટા પ્રમાણમાં જાન માલને નુકસાન થયું હતું ત્યારબાદ મચ્છુ-2 ડેમ ફરીથી બાંધવામાં આવ્યો હતો ત્યારે જૂના 20 દરવાજા હતા તેમાં 18 દરવાજાનો વધારો કરવામાં આવ્યો હતો જેથી હાલમાં આ ડેમના કુલ મળીને 38 દરવાજા છે.

મોરબી સિંચાઈ વિભાગના અધિકારી ભવિનભાઇ પનારા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મચ્છુ-2 ડેમની કુલ જળ ક્ષમતા 3104 એમસીએફટી જેટલી છે. આજની તારીખે ડેમની અંદર 939 એમસીએફટી જેટલો જળ જથ્થો ભરાયેલ છે. આ ડેમનું કમ્પ્લીસન સર્ટિફિકેટ 1989 માં મળ્યું હતું.

ત્યારથી આજ સુધી ડેમના દરવાજા બદલવામાં આવ્યા ન હતા જે દરવાજાને હવે 36 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે જેથી તેનું આયુષ્ય પૂર્ણ થયેલું હોવાથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સરકાર દ્વારા મચ્છુ-2 ડેમના દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વર્ષ 2024માં આ ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા. અને હવે બાકીના 33 દરવાજા આ વર્ષે બદલવામાં આવશે.

વધુમાં મળતી વિગત પ્રમાણે આજે બપોરે 4 વાગ્યે મચ્છુ-2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવશે અને ત્યારબાદ મચ્છુ નદીમાં 1300 કયુસેક જેટલો પાણીનો પ્રવાહ છોડવામાં આવશે અને ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરીને 3500 કયુસેક સુધી પાણી નદીમાં છોડવામાં આવશે અને બે જ દિવસના સમયગાળામાં જે લેવલ સુધી ડેમમાં પાણી ઓછું કરવાનું છે તે કરી નાખવામાં આવશે અને ડેમના 33 દરવાજા બદલવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. જો કે, 33 પૈકીનાં 18 દરવાજા પહેલા બદલવામાં આવશે ત્યાર બાદ બાકીના 15 દરવાજા બદલી નાખવામાં આવશે આમ આગામી તા 1-6 સુધીમાં મચ્છુ-2 ડેમના બાકીના 33 દરવાજાને બદલી નાખવામાં આવશે. જેથી ચોમાસામાં આ ડેમ ભરવાનું શરૂ થઈ જશે.

પમ્પીંગ કરવું પડશે

મોરબીના મચ્છુ-2 ડેમમાંથી મોરબી શહેર તથા મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે જેના માટે મોરબી મહાપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડવામાં આવતું હોય છે જોકે અત્યાર સુધી ડેમમાં જળ જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાના કારણે ગ્રેવિટીથી પાણી તે બંને સંસ્થાને મળી જતું હતું પરંતુ ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવશે પછી મચ્છુ-2 ડેમમાં પાણીનું લેવલ નીચું જશે જેથી મોરબી શહેર તથા મોરબી અને માળિયા તાલુકા વિસ્તારને પીવાનું પાણી પહોંચાડવા માટે બંને સંસ્થાઓને પમ્પિંગ કરીને મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડીને લોકોના ઘર સુધી પહોંચાડવું પડશે.

મોરબી અને માળીયા તાલુકાનાં 29 ગામોને એલર્ટ કરાયા

મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવનાર છે જેથી નદીના પટમાં રહેતા લોકોને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી અને નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે કોઈ દુર્ઘટના ન બને તે માટે મોરબી અને માળીયા તાલુકાનાં ગામોને એલર્ટ કરવામાં આવેલ છે.

જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમાં મોરબીના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અને અમરનગર તથા માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) નો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!