મે માસથી શરૂ થનાર ચારધામ યાત્રાનાં બુકિંગોમાં ઈન્કવાયરી શરૂ : ઉનાળુ વેકેશન ફેમિલી ટુરોમાં જમ્મુ – કાશ્મીર, કુલુ મનાલીની વધુ ડિમાન્ડ, રાજસ્થાન, મહાબળેશ્વર, દક્ષિણ ભારત ઉપરાંત ગોવા ફેવરીટ હોવાનો ટુર ટ્રાવેલ્સ ઓપરેટરોનો મત
દર વર્ષે ઉનાળાની ઋતુમાં મે-જુન માસથી બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી ચારધામ યાત્રામાં દેશભરનાં લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા પણ પ્રારંભ થવા જઇ રહી છે.

ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસી યાત્રીકોમાં વડીલોએ યાત્રાધામ તરફ તો યુવા જનરેશન ફેમીલી મેમ્બરોએ પર્યટન સ્થળોએ જવા આગોતરા આયોજન હાથ ધર્યા છે. પરિણામે ટુર ટ્રાવેર્લ્સ ઓપરેટરોની ઈન્કવાયરીમાં દિન-પ્રતિદિન વધારો થવા લાગ્યો છે.

આ વર્ષે ઉતરાખંડની ચારધામ યાત્રામાં યમનોત્રી, ગંગોત્રીના તા.30મી એપ્રિલથી અને કેદારનાથ, બદ્રીનાથનાં 4થી મેના કપાટ ખુલી રહ્યા છે. જેનાં ભાગરૂપે વડીલોએ હવે ચારધામ યાત્રાએ જવા ટુર ટ્રાવેર્લ્સ સંચાલકોનો સંપર્ક સાધી રહ્યા છે. આ વર્ષથી અમરનાથ યાત્રાની માફક ચારધામ યાત્રા પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવેલ છે.

ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદ દ્વારા યાત્રીકોની સહાયતા માટે ઓનલાઇન-ઓફલાઇન રજીસ્ટ્રેશન સાથે યાત્રાને અનુલક્ષીને જરૂરી સુચનો ધ્યાને લેવા ખાસ પ્રકારની હેલ્પલાઇન શરૂ કરી છે. કેદારનાથ યાત્રા કઠિન હોવાથી હેલીકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેનું પણ ઓનલાઇન બુકીંગ ઓપન થયું છે.
તો બીજી તરફ અમરનાથજી સાઇન બોર્ડ દ્વારા આગામી જુલાઇ માસથી અમરનાથ બાબા બર્ફાની યાત્રા શરૂ થનાર છે. તેમાં પણ મેડીકલ પ્રમાણપત્ર સાથે ઓનલાઇન-ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ થનાર છે. અમરનાથ યાત્રા બાલતાલ અને પહેલગામથી શરૂ થતી હોય તે માટે અત્યારથી યાત્રાળુઓએ આગોતરૂ આયોજન હાથ ધરી ટુર-ટ્રાવેર્લ્સ ઓપરેટરોનો સંપર્ક સાધી રહ્યા છે.

ચારધામ યાત્રા માટે સૌરાષ્ટ્રના રાજકોટ અને ગુજરાતના અમદાવાદથી અનેકવિધ ટ્રાવેલ્સ એજન્સીઓ દર વર્ષે હજારો-લાખોની સંખ્યામાં યાત્રાળુઓને ચોકકસ પ્રકારના પેકેજ સાથે યાત્રાની સુવિધા પાડે છે. ચારધામ યાત્રા આગામી મે માસથી શરૂ થાય તે પૂર્વે જ ટુર ટ્રાવેર્લ્સ ઓરેટરોને ત્યાં ઇન્કવાયરી થઇ રહ્યાનું જાણવા મળેલ છે.

રાજકોટનાં નામાંકિત ટુર-ટ્રાવેલ્સ એજન્સીઓના ટુર ઓપરેટરોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે અનેક ગૃહસ્થ પરિવારો અને વડીલોએ અત્યારથી અમરનાથ યાત્રાની ઇન્કવાયરીમાં રસ દાખવતા આ વર્ષે ચારધામની સરખામણીએ બાબા બર્ફાની અમરનાથ યાત્રામાં વધુ યાત્રાળુઓ જોડાવવાની સંભાવના છે.

ચારધામમાં કેદારનાથ પુરતો જ યુવા યાત્રાળુઓનો ક્રેઝ છે. તે સિવાય આ ધાર્મિક યાત્રામાં મોટા ભાગે વડીલોની સંખ્યા વધુ રહેતી હોવાથી વડીલોના વધુ પડતા ગ્રુપ (સમુહ) આયોજનોની ઇન્કવાયરી શરૂ થઇ છે.

ટુર ઓપરેટરોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ફેમીલી ટુરમાં રાજસ્થાન, મહાબળેશ્ર્વર, લોનાવાલા, દક્ષિણ ભારત બેંગ્લોર, મૈસુર, ઉટી, કેરળ, તામિલનાડુ રામેશ્ર્વર, ક્ધયાકુમારી, શ્રીનગર, જમ્મુ કાશ્મીર, કુલુમનાલી, સીમલા અને કેન્દ્ર શાસિત પ્રદેશ ગોવાની ઇન્કવાયરી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેનીય છે કે સૌરાષ્ટ્રમાં ઉનાળુ વેકેશનમાં તમામ ટ્રેનોમાં 60 દિવસમાં એડવાન્સ બુકીંગના લીધે ટ્રેનોમાં મોટુ વેઇટીંગ છે.

તો રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પણ દિલ્હીનાં વિમાનો ઓછા હોવાથી યાત્રાળુ વર્ગ હવે ટુર ટ્રાવેર્લ્સ એજન્સી તરફ વળ્યો છે. આ ઉપરાંત દર વર્ષે અનેકવિધ ગ્રુપ-સંસ્થાઓએ ચારધામા યાત્રાની બસ અને ટ્રેન મારફત બુકીંગ શરૂ કર્યા છે જે પેકેજ ટુરમાં રહેવા-જમવા-ઉતારા સહિતની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.
















