મોરબી, દેશના સૌથી મોટા સિરામિક કલસ્ટર તરીકે ઓળખાય છે, જ્યાં સિરામિક ઉદ્યોગોના પ્રશ્નોને રજુ કરવા અને ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરવા માટે એક એસોસિએશનની રચના કરવામાં આવી છે. આ એસોસિએશનમાં બે વર્ષની મુદત માટે વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવે છે.

હાલમાં, એસોસિએશનમાં વોલ ટાઇલ્સ, વિટ્રીફાઇડ, ફ્લોર અને સેનેટરી—આ મુખ્ય ચાર વિભાગોના પ્રમુખોની વરણી કરવામાં આવે છે. તાજેતરમાં ફ્લોર ડિવિઝનમાં સંદીપભાઈ કુંડારીયા બિનહરીફ પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હતા.

આજ રોજ વિટ્રીફાઇડ ડિવિઝન માટે નવા હોદેદારોની વરણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં બ્લૂ ઝોન સિરામિકના મનોજભાઈ એરવાડીયા પ્રમુખ પદે બિનહરીફ જાહેર થયા. તેમજ અનિલભાઈ વડાવિયા અને સુરેશભાઈ સરડવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા.

નવનિયુક્ત વિટ્રીફાઇડ ડિવિઝન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે એસોસિએશનને વધુ મજબૂત બનાવવા માટે તેઓ સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરશે. ઉદ્યોગના પ્રશ્નોને ઉકેલવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે અને ઉદ્યોગના હિત માટે સંકલિત કામગીરી કરવામાં આવશે.

અનિલભાઈ વડાવિયા (ઉપ પ્રમુખ)





















