શહીદે આઝમ ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ ત્રિપુટીને સત સત નમન
આ પંક્તિઓ સ્વમુખે લલકારીને તથા “ઇન્કલાબ ઝિંદાબાદ” નો બૂલંદ જયઘોષ કરી હસતે મુખે ફાંસીને માચડે ચડનાર સૂર્ય સમાન દેદીપ્યમાન મહાન ક્રાંતિવીરો અમર શહીદ ત્રિપુટી શહીદે આઝમ ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ સને 1931 ના 23 મી માર્ચે 9:30 કલાકે લાહોરમાં માતૃભૂમિની મુક્તિકાજે સમર્પિત થયા. આ વજ્ર ત્રિપુટી યુવાનો તૂટ્યા નહીં, ઝુક્યા. નહીં, નમ્યા નહીં. ફાંસી સમયે યુવાન ભગતસિંહની ઉંમર 23 વર્ષની હતી.

પંજાબમાં દેશભક્તિ માટે પાંચ- પાંચ પેઢીથી વિખ્યાત એવા શીખ પરીવારમાં 28 મી સપ્ટેમ્બર 1907 ના રોજ ક્રાંતિબાળ ભગતસિંહનો જન્મ પંજાબમાં થયો હતો. તેમના પિતા સરદાર કિશનસિંહ અને માતા વિદ્યાવતી હતા.
સને 1928 માં લાહોરમાં “સાયમન કમિશન” ની બહિષ્કાર રેલી પર નરાધમ બ્રિટિશ અધિકારી સાંડર્સે ભયંકર લાઠ્ઠીઓ વરસાવી. પંજાબ કેશરી વૃધ્ધ લાલજી ખૂબ ઘવાયા. નરશાર્દૂ લાલાલજપતરાય શહીદ થયા. તેઓની પ્રથમ માસ પૂણ્યતિથિએ શહીદ ભગતસિંહ અને રાજ્યગુરુએ પિસ્તોલથી નરાધમ સાંડર્સને ઢાળી દીધો.
પબ્લીક સેફ્ટી બીલ (કાળો કાયદો) ના વિરોધમાં 8 એપ્રિલ 1929 ના દિલ્હી એસેમ્બલી હૉલ (વડી ધારાસભા) માં બ્રિટિશ સામ્રાજ્યના કાનના પડદા ખોલવા ભગતસિંહ અને બટુકેશ્વર દતે ખાલી સીટો તરફ નિર્દોષ બોમ્બ ઝીંકયો. ભાગી જવાને બદલે પિસ્તોલો ફેંકીને પોલિસને સમર્પિત થયા. પોતાના બલીદાનથી ક્રાંતિને ચરમશિમાએ લઈ જવા માગતા હતા. ત્યારે વડી ધારાસભાના અધ્યક્ષ સુવિખ્યાત બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ હતા. વડી ધારાસભામાં મદનમોહન માલવિયા, મહમદ અલી ઝીણા અને મોતીલાલ નહરૂ જેવા ધુરંધર નેતાઓ બોમ્બ ધડાકાથી ગભરાય ગયા હતા.
શૌર્ય સભર, વીર્ય સભર, ઇન્કલાબ સભર ગૌરવ ગાથા રચનાર કૈલાસ જેવા અડગ અને શહીદે આઝમ ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ ત્રિપુટીને કરોડો સલામ.
પ્રેષક – :બી.જી. કાનાણી -પ્રિન્સીપાલ શ્રી ઉમિયાજી મહિલા સાયન્સ કોલેજ-ધ્રોલ भो. – 9998039111
























