શહેરી વિકાસ વર્ષમાં લોકોને ઉપયોગી થાય તેવા વધુ કામો કરવા સૂચના : પાણીની ચિંતા કોઇ ન કરતા : ટીપી સ્કીમો માટે પણ ઝડપી કાર્યવાહી થશે – ભુપેન્દ્રભાઇ પટેલ
આગામી તા. 26ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટ આવી રહ્યા છે અને રૂડા તથા મનપાના 535 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવાના છે. આ પૂર્વે ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ તમામ મ્યુનિ. કોર્પોરેશનના મુખ્ય પદાધિકારીઓને બોલાવ્યા હતા અને શહેરી વિકાસ માટેની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવા અને ‘ઘરની વાત ઘરમાં રાખીને’ પ્રજાના કામોમાં ધ્યાન આપવા ખાસ સૂચના આપી હતી. નાણાના વાંકે કોઇપણ મહાનગરમાં પ્રજાના કોઇ કામ અટકશે નહીં. આ માટે જરૂર હોય ત્યારે સરકારને યાદી આપવા પણ તેમણે નિમંત્રણ આપ્યું હતું.

ગઇકાલે રાજકોટથી મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા ગાંધીનગર ગયા હતા. રાજયના તમામ આઠ મહાનગરના પદાધિકારીઓને શહેરી વિકાસ વર્ષ અને યોજના હેઠળના કામો અંગે ચર્ચા કરવા તેડુ મોકલવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓને સંબોધન કરતા એમ કહ્યું હતું કે, મહાપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે. આથી ચૂંટાયેલા લોકોએ સરકાર પાસેથી વધુમાં વધુ ગ્રાન્ટના લાભ લેવા જોઇએ અને પ્રજાના કામો માટે યોજનાઓ તૈયાર કરવી જોઇએ. નાણાના વાંકે કોઇ વિકાસ કામ નહીં અટકે તેની સરકાર પૂરી હૈયાધારણ આપે છે.

મુખ્યમંત્રીએ એક મહત્વની સલાહ આપતા કહ્યું હતું કે, આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરીને શહેરો માટે સરકારે 30 હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. આથી વિકાસ કામો પર પુરતું ધ્યાન આપવું જોઇએ. તમામ મનપા કામ કરે જ છે. પરંતુ વધુ ગ્રાન્ટનો ઉપયોગ થાય તો પ્રજાને જ સીધો લાભ થશે.

બીજી તરફ પ્રજાના કામ કરવાની તક મળી છે ત્યારે કોઇ મતભેદો વગર સંકલનથી કામ કરવું જોઇએ. કોઇ પ્રશ્ન હોય તો પણ ‘ઘરની વાત ઘરમાં રહે’ એટલી પરિપકવતાથી કામ કરવાની ખાસ વાત તેમણે મૂકી હતી.

આવતા મહિને સૌની યોજના અંતર્ગતની નર્મદા કેનાલમાં રીપેરીંગ થવાનું છે અને બે મહિના માટે મહાનગરોને પાણી પુરવઠો બંધ થશે. આ માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પદાધિકારીઓએ ઉનાળામાં પાણી ઘટ પડવાની ચિંતા વ્યકત કરી હતી. પરંતુ મુખ્યમંત્રીએ પાણીની કોઇ ચિંતા ન કરતા અને સરકાર તમામ વ્યવસ્થા કરશે તેવું આશ્વાસન આપ્યું હતું.

પાણી ઉપરાંત ટીપી સ્કીમની મહત્વની વાત પણ મુખ્યમંત્રીએ યાદ કરી હતી. તેઓએ પેન્ડીંગ ટીપી સ્કીમ, પરામર્શ કક્ષાની યોજનાઓ માટે મનપા કક્ષાએથી પણ ઝડપથી કાર્યવાહી કરવા અને સરકારમાંથી પણ ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

















