મોડીરાત્રે 3.12 વાગ્યાની ઘટના : ખુલ્લામાં ભરઉંઘમાં સુતેલા લોકો જાગી ગયા : સીસીટીવી કેમેરામાં ઘટના કેદ
અસામાન્ય ભૌગોલિક ઘટનાઓ માટે જાણીતા સરહદી કચ્છ જીલ્લામાં આકાશમાંથી તેજ પ્રકાશપૂંજ સાથે ઉલ્કા પડતા લોકોમાં કુતુહલ મિશ્રિત ફફડાટ સર્જાયો હતો. ભુજના રણકાંધી ગામ નજીક આ ઘટના બની હતી.

ખુલ્લા આકાશમાંથી પ્રકાશનો તેજ લીસોટો થયો હતો અને ઉલ્કા પડતી હોવાનુ સીસીટીવી કેમેરામાં કેદ થયુ હતું. ઉનાળાની ગરમીમાં અગાશી કે ફળીયામાં ભરઉંઘમાં સુતેલા લોકો પણ આ તેજ પ્રકાશપુંજથી સફાળા બેઠા થઈ ગયા હતા. અંધકારને બદલે તેજ રોશની સર્જાઈ હતી.

કચ્છ જિલ્લામાં એક અદભુત ખગોળીય ઘટના નોંધાઈ હતી. ભચાઉથી લખપત સુધીમાં વહેલી સવારે 3.12 વાગ્યે આકાશમાં અચાનક તેજપુંજ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઉનાળાની ઋતુને કારણે ઘણા લોકો અગાસીમાં સૂતા હતા. આ દરમિયાન આકાશમાં કેટલીક ક્ષણો માટે એવો તેજપુંજ સર્જાયો કે જાણે દિવસ ઊગી નીકળ્યો હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.

આ ઘટના સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ફૂટેજમાં આકાશમાંથી તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ અસામાન્ય ઘટનાએ વિસ્તારના લોકોમાં ભારે કુતુહલ સર્જ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ માટે જાણીતો છે. અહીં રણ, દરિયો અને ડુંગરનો સમન્વય છે અને કર્કવૃત્ત રેખા પણ પસાર થાય છે. આ સરહદી જિલ્લામાં અગાઉ પણ અનેક ખગોળીય ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.

મોડી રાત્રે ગાઢ અંધકાર વચ્ચે પ્રકાશપુંજથી રોશનીનો ઝગમગાટ સર્જાતા કુતુહુલ પામેલા લોકો ડઘાઈ ગયા હતા સવારથી સંબંધીત સરકારી વિભાગોનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું અને સમગ્ર ઘટનાક્રમ વિશે સ્પષ્ટતા મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.સરકારી તંત્ર પણ તપાસ કરે તેવા નિર્દેશ છે.



















