કેન્દ્રની મંજુરી બાદ સ્ટારલીંકની સેવા શકય બનશે
ભારતમાં સ્ટારલીંક હાઈસ્પીડ ઈન્ટરનેટની તૈયારી હોય તેમ એરટેલે સ્પેસએકસ સાથે કરાર કર્યાના બીજા જ દિવસે રીલાયન્સ ગ્રુપની જીયો દ્વારા પણ કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે.

જો કે, ભારત સરકાર દ્વારા સ્ટારલીંકની સેવા શરૂ કરવાની લીલીઝંડી આપવામાં આવે પછી જ આ સેટેલાઈટ આધારિત હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા કાર્યાન્વિત થઈ શકશે.

અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસ એકસ સાથે સ્ટારલીંક હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા માટે એરટેલે કરાર કર્યા હતા તેના બીજા જ દિવસે રિલાયન્સ જીયો દ્વારા પણ સમાન કરાર કરવામાં આવ્યા છે. આ કરાર મારફત સ્ટારલીંક ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરશે.

રિલાયન્સ જીયો દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે ભારતીય ગ્રાહકોને સ્ટારલીંકની બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પુરી પાડવા માટે સ્પેસએકસ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત સ્પેસએકસ ભારતમાં સ્ટારલીંક વેચવા માટે પોતાના અધિકાર મેળવે છે. આ કરારથી સ્પેસએકસની સેવાઓને જીયો ગ્રાહકો તથા વ્યવસાયોને અનુકુળ બનાવવામાં આવશે.


કંપનીના કહેવા પ્રમાણે જીયો પોતાના રીટેઈલ આઉટલેટની સાથોસાથ ઓનલાઈન સ્ટોરફ્રંટના માધ્યમથી પણ સ્ટારલીંક સોલ્યુશન ઉપલબ્ધ કરાશે. આ કરારથી સ્ટારલીંક ડેટા ટ્રાફિકના મામલામાં દુનિયાના સૌથી મોટા મોબાઈલ ઓપરેટર સાથે ભારતના સૌથી ગ્રામીણ અને અંતરીયાળ ભાગોમાં સૌથી વિશ્વસનીય બ્રોડબેન્ડ સેવા પુરી પાડવા સક્ષમ બનશે.



















