(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) Divyakranti News, Date: 11-3, મોરબી શહેરના રમત જગતમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રતિભાશાળી ખેલાડી દિવ્યરાજસિંહ એમ. રાણાને રાજ્ય કક્ષાના મહારાણા પ્રતાપ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
દિવ્યરાજસિંહ રાણાની યુનિવર્સીટી નેશનલ હોકી ટીમમાં પસંદગી થઈ હતી અને તેઓ જયપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલી યુનિવર્સીટી ટિમમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની આ નોંધપાત્ર સિદ્ધિ માટે મોરબીના લાડકવાયા ખેલાડીનું રાજ્ય સ્તરે સન્માન કરવામાં આવ્યું છે.

સમારંભ દરમિયાન પ્રદીપસિંહ વાઘેલા (પૂર્વ પ્રદેશ મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી)ના હસ્તે દિવ્યરાજસિંહ રાણાને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો અને મોરબી શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી આરતીબા રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યરાજસિંહ રાણાએ સતત બારમી વખત હોકી નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેઓ ત્રણ વર્ષ માટે હોકી ગુજરાત ટીમના કેપ્ટન તરીકે અને બે વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી નેશનલ ટીમના કેપ્ટન તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના રમત જીવનમાં 30 થી વધુ એવોર્ડ અને 8 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે, જે મોરબી માટે ગૌરવની બાબત છે.
મોરબીવાસીઓ અને રમતપ્રેમીઓ તરફથી દિવ્યરાજસિંહ રાણાને હાર્દિક શુભેચ્છાઓ મળી રહી છે.



























