રાજ્યના સર્વગ્રાહી વિકાસને પગલે શહેરીકરણના વધતા વ્યાપ અને શહેરી જનસંખ્યાને વધુ નાગરિકલક્ષી સુવિધાઓ આપવા 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21, બ-વર્ગમાં 22 અને ક-વર્ગમાં 26 મળી કુલ 69 નગરપાલિકાઓ અપગ્રેડ કરાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના અભિગમ સાથે 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉત્તરોત્તર વધતા જતા વિકાસને પરિણામે શહેરોમાં વસનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે ત્યારે નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોને વિવિધ માળખકીય સુવિધાઓ પૂરી પાડી શકાય અને જનસુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે આ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યુ છે.

નગરપાલિકાઓના આ અપગ્રેડેશનને પરિણામે 1 લાખથી વધુ વસતિ ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21 નગરપાલિકાઓ, 50 હજારથી 1 લાખ સુધીની વસતિ ધરાવતી બ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 22 અને 25 હજારથી 50 હજારની વસતિ ધરાવતી ક-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 26 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે.

જિલ્લાના મુખ્ય મથકની નગરપાલિકાઓને કરાઈ અપગ્રેડએટલું જ નહિ, જે નગરપાલિકાઓ જે-તે જિલ્લાના મુખ્ય મથકની નગરપાલિકાઓ એવી ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત મુલાકાતીઓ-યાત્રાળુઓની વધુ અવર-જવર ધરાવતા દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક-પ્રવાસન સ્થળોની નગરપાલિકાઓનો પણ અપગ્રેડેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વડનગરની નગરપાલિકાને કરાઈ અપગ્રેડવડનગરના 2500 વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર વડનગરના સ્થાનને ધ્યાને લઈને તેને પણ “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.

નગરપાલિકાઓના અપગ્રેડેશન માટે ગ્રાન્ટ ફાળવાશેનગરપાલિકાઓના આ અપગ્રેડેશનથી આંતરમાળખાકીય વિકાસ કામો, આઉટગ્રોથ વિસ્તારના કામો, આગવી ઓળખના કામો અને નગર સેવાસદનના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અ-વર્ગની પ્રત્યેક નગરપાલિકાઓને અંદાજે કુલ રૂ. 28 કરોડ, બ-વર્ગની નગરપાલિકાઓને આશરે રૂ. 22 કરોડ, ક-વર્ગની નગરપાલિકાઓને રૂ. 15.5 કરોડ અને ડ-વર્ગની નગરપાલિકાઓને રૂ. 10 કરોડની ગ્રાન્ટ મળી હવે કુલ અંદાજે 2882 કરોડ રૂપિયા આવા વિકાસ કામો માટે ફાળવવામાં આવશે.

















