બાલિકાઓના સારા પોષણયુક્ત સ્વાસ્થ્ય અને કૌશલ્ય વર્ધન સાથે ઉત્તમ જીવનશૈલી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો ચલાવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળ વર્ષ 2015 થી બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા 2019 થી વહાલી દિકરી યોજના કાર્યરત છે.

આ યોજનાઓના સૂચકાંકમાં બાલિકા જન્મને પ્રોત્સાહન, પોષણ અને આરોગ્ય, દીકરીઓમાં ઉચ્ચ શિક્ષણ બાળ લગ્ન સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજનાના સંકલનમાં જિલ્લા ઓ ખાતે દરેક ગ્રામ પંચાયત ખાતે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે.

બાલિકા પંચાયતની રચના નો મુખ્ય હેતુ બાલિકાઓના જન્મ, પોષણ,આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ, સુરક્ષા – સલામતી અને તેમના સર્વાંગી વિકાસ દ્વારા સશક્તિકરણ કરવાનો પ્રયાસ છે. ઉપરાંત બાલિકાઓને સરકારની વિવિધ સરકારી યોજના કાયદા ઓ વિશે જાગૃત કરવા અને લાભાન્વિત કરવા તથા સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના જાતિગત ભેદભાવ ને દૂર કરીને દીકરીઓના જન્મ દરમાં વધારો કરવાનો ઉદ્દેશ પણ રહેલો છે.

મોરબી જિલ્લામાં કુલ 352 બાલિકા પંચાયત કાર્યરત છે જેમાં બાલિકા સરપંચ, બાલિકા ઉપ-સરપંચ અને બાલિકા સભ્ય ઉપર મુજબના વિવિધ ઉદ્દેશ્યો સાથે કાર્ય કરે છે. હાલ મોરબી જિલ્લાના ટંકારા તથા મોરબી તાલુકા ખાતે બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓને તાલીમ પણ આપવામાં આવી છે.




















