સમગ્ર ગુજરાતભરના કંસારા સમાજના આગેવાનોએ આવેદનપત્રો પાઠવી તુરંત ન્યાયની માંગ કરી
અપરાધીની રાજકીય વગ અને પોલીસની નીમ્ભરતાના પાપે લાચાર વૃદ્ધને જીવ ગુમાવવો પડ્યો

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ થઇ રહ્યો છે કે શું? આ પ્રશ્ન આજે સમસ્ત કંસારા સોની સમાજમાં ઉદ્ભવ્યો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ મથકે 4 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાયેલ FIR ક્રમાંક 11216005250 હેઠળ સામેલ આરોપીઓ સામે હજુ સુધી કોઈપણ કાયદેસર કાર્યવાહી થઈ નથી.
ગોપાલભાઈ શ્યામજીભાઈ સોની, જે કંસારા સોની સમાજના મુરબ્બી અને વડીલ હતા, તેમના આત્મહત્યાના આ બનાવમાં સંડોવાયેલા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં શંકાસ્પદ વિલંબ જોવા મળી રહ્યો છે. જેના ઘેરા પ્રત્યાઘાત કંસારા સમાજમાં પડ્યાં જેનાથી માત્ર કંસારા સોની સમાજ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના ન્યાયપ્રિય નાગરિકોમાં ભારે રોષ છે. સમસ્ત કંસારા સમાજ દ્વારા આજે આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે કે આ કેસમાં જડબેસલાક તપાસ થાય અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે., આરોપીઓને કાયદાના ધોરણે દંડિત કરી, સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કડક પગલાં ભરવામાં આવે.
“જાહેરમાં વીડિયોમાં પુરાવા હોવા છતાં કોઈપણ કાર્યવાહી ન થાય અને રાજકીય સંરક્ષણ મળે, તો તે પ્રકારનું રાજ્ય શું ન્યાયપ્રધાન કહેવાય?” – આવા સવાલો હવે જનતામાં ઉઠી રહ્યા છે. કંસારા સમાજે ગાંધીનગર જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેડન્ટને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ ન્યાય માટે રજૂઆત કરી છે.
જો તુરંત પગલાં નહીં લેવાય, તો સમસ્ત કંસારા સમાજ આ મુદ્દે વિશાળ આંદોલન કરવાના મૂડમાં છે. સમાજના લોકો હવે માત્ર ન્યાયની આશા રાખીને નહીં, પણ તે મેળવવા માટે પણ એકઝુટ થયા છે. મારુ કંસારા સમાજ અલ્ટ્રા માઇનોરિટીમાં છે જેથી સમાજની વ્યક્તિઓને અનેક પ્રકારે અન્યાય થતો હોય તેમ છતાં સમાજની ઉપેક્ષા થઇ રહી છે. ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર આ મામલાને ગંભીરતાથી લઈ, ન્યાય આપશે કે નહીં? – હવે સમગ્ર ગુજરાત આ તરફ જોઈ રહ્યું છે.









