મેકસીકોએ તમામ શરતો માની હોવા છતાં ટ્રમ્પે ટેરીફ લાદયા : કેનેડા પર પણ 25% ટેરીફ બાદ ટ્રુડો સરકારે પણ વળતા ટેરીફ લાદી અમેરિકી જનતા માટે માઠા સમાચાર આવ્યા
વોશિંગ્ટન: અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેકસીકો, કેનેડા પર આજથી વધારાના આયાત-ટેરીફ અમલમાં મુકી દેતા હવે વિશ્ર્વમાં ટેરીફ વોર શરૂ કર્યુ છે અને અત્યાર સુધી દુરથી જ ડોનાલ્ડ ટ્રમ્પની એક બાદ એક જાહેરાતો પર નજર રાખી રહેલા ચીને પણ હવે ટેરીફ વોરમાં ઝંપલાવીને તા.10 માર્ચથી અમલમાં આવી શકે તે રીતે અનેક અમેરિકી માલસામાન ખાદ્ય ઉત્પાદનો પર 10થી15% ટેરીફ ઝીંકવાની જાહેરાત કરી છે.

તો અમેરિકાને જવાબ આપતા કેનેડાએ પણ અમેરિકી આયાત પર 25% ટેરીફ લાદી દીધા છે. પ્રમુખ ટ્રમ્પે અગાઉ જાહેરાત કર્યા મુજબ આજે તા.4 માર્ચથી મેકસીકો અને કેનેડા પર 25% ટેરીફનો અમલ શરૂ કર્યો છે અને અગાઉ આ મુદે જે 60 દિવસની મુદત આપી હતી તેનો અંત લાવ્યો છે.

ટ્રમ્પે આ ઉપરાંત આજે ભારતીય સમય મુજબ બપોરે 12.01 કલાકની આપવામાં આવે તે રીતે ટેરીફની અસર કરી હતી. કેનેડા અને મેકસીકો પર 25% અને ચીન પર 20% ટેરીફ લાદયા છે. અગાઉ જ ચીનના માલ પર 10% ટેરીફ હતો.

કેનેડાએ ટ્રમ્પની જાહેરાતના કલાકમાં જ વળતા ટેરીફ લાદી દીધા છે અને વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ જાહેર કર્યુ છે અને કહ્યું હતું કે આ પગલું અમેરિકાને જ મોંઘુ પડશે તો અમેરિકાના સૌથી મોટા ટ્રેડ પાર્ટનર ચીને અમેરિકાથી આયાત થતા સોયાબીન ફળો, શાકભાજી, ડેરી પ્રોડકટસ તથા સી-ફુડ સહિતના બિનશાકાહારી ખાદ્ય પદાર્થો પર 10થી15% વધારાના ટેરીફની જાહેરાત કરી છે.

ઉપરાંત ચીને 10 અમેરિકી કંપનીઓને ‘અનરીયાલેબલ’ એન્ટ્રી લીસ્ટમાં મુકી છે જે સંરક્ષણ સહિતના કામો કરે છે. આ કંપનીઓના સીનીયર અધિકારીઓને ચીનમાં પ્રવેશ આપવામાં આવશે નહી તેઓને અગાઉ જે વિસા અપાયા હતા તે પણ હવે રદ કર્યા છે. અમેરિકાના ટેરીફ હવે તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે.



















