રિલાયન્સ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ પ્રાણી સંગ્રહાલય – રેસ્કયુ સેન્ટરમાં ચાર કલાક વિતાવશે વડાપ્રધાન : રવિવાર સાંજ સાસણમાં વિતાવશે : નેશનલ વાઈલ્ડ લાઈફ કોન્ફરન્સનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે સાંજે જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાનના આ પ્રવાસ સંદર્ભે જિલ્લાનું વહીવટીતંત્ર તૈયારીમાં ગળાડૂબ થયું છે. વ્યવસ્થાની બાગડોળ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાથમાં લીધી છે.

ગઇકાલે સાંજ સુધી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો.વડાપ્રધાન રાત્રી રોકાણ જામનગરમાં કરશે અને રવિવારે વહેલી સવારે જામનગરથી 30 કિમી દૂર આવેલ રિલાયન્સ રિફાઇનરી પાસેના રિલાયન્સના ટ્રસ્ટ સંચાલિત પ્રાણી સંગ્રહાલય – રેસ્ક્યુ સેન્ટર ‘વનતારા’ની મુલાકાતે જનાર છે.

આથી જામનગર એરપોર્ટથી વનતારા સુધીનો માર્ગ પણ ચોખ્ખો ચણાક કરવા માટે તંત્રએ કમ્મર કસી છે. વનતારાથી વડાપ્રધાન રવાના થઇ હવાઇ માર્ગે જૂનાગઢ જવા રવાના થશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં તા.2 માર્ચને રવિવારના રોજ સાસણ ગીર ખાતે નેશનલ વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સનું આયોજન થયું છે.

આ કાર્યક્રમમાં હાજરી આપતા પહેલાં વડાપ્રધાન જામનગર જિલ્લાની ટૂંકી મુલાકાત લેશે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકારની સુચનાથી જામનગર જિલ્લા વહીવટી તંત્રએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે.

ગઇકાલે બપોરથી સાંજ સુધી જિલ્લા કલેક્ટર કેતનભાઇ ઠક્કર દ્વારા શહેર જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ખાસ કરીને મ્યુનિસીપલ કમિશનર ડી.એન.મોદી અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડો.વિકલ્પ ભારદ્વાજ સાથે ખાસ ચર્ચા કરી હતી અને આયોજન સંદર્ભે જરૂરી કામગીરીની સુચનાઓ આપી હતી.કલેકટરની સુચનાથી માર્ગ મકાન વિભાગે સર્કીટ હાઉસની સાફ સફાઇ અને રંગરોગાનની કામગીરી બે દિવસથી ચાલુ કરી દીધી છે.

એરપોર્ટથી લાલબંગલા સુધી બેરીગેઇટ ઉભા કરી દેવાયા છે. એટલું જ નહીં આ માર્ગ ઉપર પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત પણ આજથી ગોઠવી દેવાયો છે.

વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ અને હોમગાર્ડની ટીમોને આજે સવારે સર્કીટ હાઉસ ખાતે એકઠી કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. વડાપ્રધાનની સુરક્ષા સંભાળતી એસ.પી.જી.ની એક ટીમ પણ આજે બપોરે જામનગર આવી પહોંચી હતી. આ ટીમના સભ્યોએ સર્કીટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વડાપ્રધાનના રૂટ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાનના કાર્યક્રમને કારણે પ્રદર્શન મેદાનમાં રહેલાં ઝુંપડા સહિતના દબાણો દૂર કરાયા છે. આ ઉપરાંત રૂટ ઉપર રહેલાં રેંકડી, પથારા સહિતના દબાણો પણ હટાવી દેવામાં આવ્યાં છે.વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના આગેવાનો અને ધારાાસભ્ય તથા ચૂંટાયેલ પદાધિકારીઓના સ્વાગત બેનરો પણ લાગ્યા છે.

વડાપ્રધાન મોદી સંભવત: આવતીકાલે સાંજે 6 થી 7 દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં આવી પહોંચશે. જામનગર એરપોર્ટ ઉપર મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ વડાપ્રધાનને આવકારશે. જો રાત્રી રોકાણ માટે સર્કીટ હાઉસ ફાઇનલ થશે તો તેઓ એરપોર્ટથી સીધા સર્કીટ હાઉસ પહોંચશે.

રાત્રી રોકાણ બાદ તા.2 ને રવિવારે સવારે 7:00 વાગ્યે વડાપ્રધાન જામનગરથી નિકળી રિલાયન્સ રિફાઇનરી નજીક આવેલા અનંત અંબાણીના પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર તરીકે ઓળખાતા વનતારાની મુલાકાતે જશે. આશરે ચારેક કલાકનું રોકાણ કરી વડાપ્રધાન જૂનાગઢ જવા રવાના થશે.

વડાપ્રધાન કદાચ રોડ માર્ગે જામનગરથી વનતારા જાય તો રસ્તામાં કોઇ વિઘ્ન ન આવે તે માટે સાપર માર્ગ પાસેના રસ્તા નજીકના દબાણ ધરાવનાર લોકોને ગઇકાલે જ દબાણ તાત્કાલિક હટાવી લેવા અન્યથા ડિમોલીશન કરવાની સુચના આપી દેવામાં આવી હતી. અહીં ખાણીપીણીની હોટલ સહિતના કેટલાંક દબાણો હોવાનું જાણવા મળે છે.











