રાજ્ય સરકારે રાજ્યભરમાં વિવિધ કેડરમાં પોલીસ કર્મચારીઓની ભરતી માટે વિગતવાર કેલેન્ડર રજૂ કર્યું હતું અને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ભરતી પ્રક્રિયા કેલેન્ડર મુજબ હાથ ધરવા નિર્દેશ કરીને કેસની વધુ સુનાવણી 11 એપ્રિલના રોજ મુલતવી રાખી હતી.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે બેન્ચ સુઓમોટુ પીઆઈએલની સુનાવણી કરી રહી હતી. ગયા અઠવાડિયાની સુનાવણીમાં બેન્ચે રાજ્યને પોલીસ સ્ટાફની ભરતી માટે કેલેન્ડર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
સરકારી વકીલે અધિક પોલીસ મહાનિર્દેશક – વહીવટ (એડીજીપી) ખુર્શીદ અહેમદ દ્વારા દાખલ કરાયેલ સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, અધિકારીઓ બે તબક્કામાં કુલ 25660 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે.
પ્રથમ તબક્કામાં, સત્તાવાળાએ આ વર્ષે ઓક્ટોબર પહેલાં ભરવા માટે 11377 ની ભરતી શરૂ કરી છે. બીજા તબક્કામાં પોલીસ વિભાગમાં કુલ 25,660 ખાલી જગ્યાઓમાંથી 14,283 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર, 2026 સુધીમાં શરૂ થશે.
વધુમાં જણાવાયું હતું કે, ગયા વર્ષે 12 માર્ચે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ, કુલ 10,73,786 ઉમેદવારોએ વિવિધ જગ્યાઓ માટે અરજી કરી છે. 7,45,140 ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના ઉમેદવારોની કસોટી આ વર્ષે માર્ચ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
એવું પણ રજૂ કરવામાં આવ્યું હતું કે, ભરતીના પ્રથમ તબક્કા માટેની લેખિત પરીક્ષા મે 2025 સુધીમાં લેવામાં આવશે અને તે પછી, દસ્તાવેજ ચકાસણી સહિતની પ્રક્રિયા હાથ ધર્યા પછી ભરતી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જુલાઈ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.