મહેસુલ વિભાગ દ્વારા રાજયભરના કલેકટરોને આદેશ: અધિકારીઓ દ્વારા કરાતી મુસાફરીનો ઈંધણનો ખર્ચ અને દૈનિક ભથ્થુ જ ચૂકવાશે
રાજય સરકારના મહેસુલ વિભાગ હેઠળની રાજયની તમામ જીલ્લા કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલત્તદારોને સરકારી કામકાજ માટે ફાળવવામાં આવતા પેટ્રોલ-ડીઝલ સંચાલિત વાહનો માટે અત્યાર સુધી કાયમી મુસાફરી ભથ્થુ ચૂકવવામાં આવતું હતું. તેને રદ્દ કરી અધિકારીઓને હવે લોગબુક આધારિત વાહનોનો ઉપયોગ કરવા રાજયના મહેસુલ વિભાગના સચિવ સચિન પટ્ટવર્ધને આદેશ કરેલ છે.

મહેસુલ વિભાગના સચિવ સચિન પટ્ટવર્ધને આ અંગે જણાવ્યું છે કે રાજયભરની જીલ્લા કલેકટર કચેરીઓ હેઠળ ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને ચુકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ રાજય સરકારના અન્ય અધિકારીઓની જેમ લોગબુક ઉપર લાવવાની બાબત રાજય સરકારની વિચારણા હેઠળ હતી.

જે બાદ મહેસુલ વિભાગનો તા.1-1-2022નો ઠરાવ રદ્દ કરી તેની જગ્યાએ પ્રાંત અધિકારીઓ અને મામલત્તદારો કે જેઓને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ-ડીઝલ સંચાલિત સરકારી વાહનોના ઉપયોગ કરવાનો થતો હોય તેઓને ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ લોકબુક આધારિત વાહનોનો ઉપયોગ કરવા આદેશ કરાયેલ છે.

વધુમાં આ અધિકારીઓ દ્વારા જે મુસાફરી કરવામાં આવે તે માટે પેટ્રોલ કે ડીઝલનો ખરેખર ખર્ચ ઉપરાંત લાગુ પડતા દરે દૈનિક ભથ્થુ ચૂકવવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજય સરકારના મહેસુલ વિભાગના આ આદેશના પગલે અનઅધિકૃત રીતે વાહનોના થતા ઉપયોગ પર નિયંત્રણ લાગશે.














