વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મોટા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. મોદી કેબિનેટે નવા ઇન્કમ ટેક્સ બિલના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અમલમાં આવતા દેશની ટેક્સ સિસ્ટમમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. આ ઉપરાંત સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ પર પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટે નવા રેલ ડિવિઝન બનાવવા માટેના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.

મોદી કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, મોદી કેબિનેટે ઇન્કમ ટેક્સ બિલના મસૌદાને લઈને રજૂ કરેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે આ બિલને સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી પસાર થયા બાદ આ કાયદો બની જશે. જણાવવામાં આવી રહ્યું છે કે ઇન્કમ ટેક્સ બિલના પ્રાવધાનો અમલમાં આવતા હાલની ટેક્સેશન સિસ્ટમમાં ઘણો ફેરફાર થવાની શક્યતા છે. નવા ઇન્કમ ટેક્સ બિલ વિશે સામાન્ય બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ સંસદનું બજેટ સત્ર પણ ચાલી રહ્યું છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, સરકારનું ધ્યાન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પર છે. તેમણે કહ્યું કે, આજની કેબિનેટની બેઠકમાં આ પર વિસ્તૃત ચર્ચા થઈ અને આ પર આગળ કામ કરવાની મંજુરી આપવામાં આવી. આને ધ્યાનમાં રાખીને કેબિનેટે સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામને ચાલુ રાખવા અને તેના પુનર્ગઠનને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે શુક્રવારે નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26ની અવધિ માટે 8,800 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. સાથે જ કૌશલ્ય ભારત કાર્યક્રમ (SIP)ને 2026 સુધી ચાલુ રાખવા અને તેના પુનર્ગઠનને પણ મંજૂરી આપી છે.

ઇન્ડિયન રેલવેને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટે ઇસ્ટ કોસ્ટ રેલવેમાં રાયગઢને નવું ડિવિઝન બનાવવા માટેના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. રાયગઢ ડિવિઝન બનવાથી રેલવે એડમિનિસ્ટ્રેશનનું કામ વધુ સરળ થવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના કાર્યકાળને 31 માર્ચ 2025થી આગળ ત્રણ વર્ષ (31 માર્ચ 2028 સુધી) વધારવા માટેના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. ત્રણ વર્ષના વિસ્તરણ સાથે જ સરકારી ખજાનામાં કુલ 50.91 કરોડ રૂપિયાનો વધારાનો બોજો વધવાની શક્યતા છે. આયોગથી સફાઈ કર્મચારીઓના સામાજિક-આર્થિક ઉન્નતિમાં મદદ મળશે, સફાઈ ક્ષેત્રમાં કાર્ય પરિસ્થિતિઓમાં સુધારો આવશે અને જોખમી સફાઈ કાર્ય કરતી વખતે મૃત્યુદરને શૂન્ય સુધી લાવવાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે.














