મોરબી: મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-5 માં અનેક પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાઓને લઈ ભાજપના મહિલા મોરચા મોરબીના ઉપપ્રમુખ આરતીબા રાણા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને લેખિત રજૂઆત કરી હતી.

રજુઆતમાં વોર્ડ નંબર-5 માં ગટર, પાણી, ભૂગર્ભ વ્યવસ્થા, વીજળી લાઈટ અને રસ્તા સંબંધિત અનેક સમસ્યાઓને ઉકેલવાની માંગ કરવામાં આવી છે. તેમજ બક્ષી શેરી, બુઢા બાવાની શેરી, ખોખાણી શેરી અને જોડીયા હનુમાન શેરીમાં બ્લોક નાખવાના બાકી હોવાની વિગત આપવામાં આવી છે.

રાજપૂત સમાજની વાડીમાં અને મહેન્દ્ર ઘાટની બજાર પાસે નદી કાંઠે લોડર ફેરવવાની જરૂરીયાત છે. મહેન્દ્ર ઘાટ પર પાળી તૂટી ગયેલ હોવાથી પશુઓ માટે જોખમ ઊભું થયું છે, જેની તાત્કાલિક વ્યવસ્થા કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

ચૂંટણી પહેલા આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગ કરી છે. આ રજૂઆતથી વોર્ડના રહેવાસીઓમાં આશા જાગી છે કે આગામી ચૂંટણી પહેલા આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે.















