અંડરગ્રાઉન્ડ લાઇનો પાથરવા કોઇ મંજૂરીઓ ન લીધી: જિ.પંચાયત દ્વારા 7 દિવસમાં દંડ ભરવા અલ્ટીમેટમ
મોરબીમાં ગુજરાત ગેસ કંપની અને વીજ કંપની દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર જિલ્લા પંચાયત હસ્તકના રોડને ગેસ અને વીજ લાઈન પથારવા માટે તોડવામાં આવી હતી જેથી રોડને નુકશાન થયું હતું માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા ગુજરાત ગેસ અને પીજીવીસીએલને 85.86 લાખ રૂપિયા ભરવા માટેની નોટીસ આપવામાં આવી છે.

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા ગુજરાત ગેસ કંપનીને દંડ ભરવા માટે પહેલા તા. 29/10 ના રોજ નોટિસ આપવામાં આવી હતી રવાપર-લીલાપર રોડ જોઈનીંગ રવાપર ઘુનડા રોડ (એસ.પી.રોડ) 3.60 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.

જેના બંને બાજુ ડોમેસ્ટિક ગેસ લાઈન નાખવામાં આવી છે અને તેના માટે ખોદકામ કરીને રોડને નુકશાન કર્યું છે અને કોઈપણ પ્રકારની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેથી રોડના રીસ્ટોરેશન કામ માટે રોડને થયેલ નુકશાન માટેનો ખર્ચ આશરે 76,36,200 થાય તેમ છે .

જેથી આ દંડની રકમ માર્ગ અને મકાન જીલ્લા પંચાયત વિભાગમાં ડીપોઝીટ પેટે જમા કરાવવા બીજ વખત નોટિસ આપીને જાણ કરવામાં આવી છે અને હવે દંડની રકમ ભરવા માટે 7 દિવસની મુદત આપવામાં આવેલ છે.

આવી જ રીતે પીજીવીસીએલ કાર્યપાલક ઈજનેરને જિલ્લા પંચાયત બાંધકામ વિભાગમાંથી નોટિસ આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, નેશનલ હાઈવેથી ગાળા ગામ સુધી મંજુરી વગર અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલ પાથરવા માટે સાઈડ ફોલ્ડરથી દુર નાખવા માટે જાણ કરવામાં આવી હતી તેમજ વીજ કેબલના કારણે કોઈ અકસ્માત ન થાય તેમજ રસ્તાને ભવિષ્ય આ રસ્તો પહોળો કરવાની પ્રક્રિયામાં નડતરરૂપ ન થાય તે રીતે વીજ કેબલ દુર નાખવા જણાવ્યું હતું.

જો કે, અન્ડર ગ્રાઉન્ડ કેબલની બાજુમાં વર્તુળ હસ્તકની કચેરી દ્વારા કોઈપણ મંજુરી વગર લોખંડના વીજપોલ ઉભા કરાયા છે. અને રોડને નુકશાની થયેલ છે જેથી 9.50 લાખ દંડ ભરવા માટે નોટિસ આપવામાં આવેલ છે અને ભવિષ્યમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી હસ્તકના રસ્તાઓમાં વગર મંજુરીએ વીજપોલ ન નાખવા જાણ કરવામાં આવેલ છે.












