પીપળી રોડ પર ચોરી, લૂંટફાટના બનાવો અટકાવવા ચર્ચા-વિમર્શ
મોરબીના જેતપર રોડ ઉપર છેલ્લા વર્ષોમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે અને ત્યાં કામ કરવા માટે આવતા જતા કર્મચારીઓ એકલદોકલ નીકળે ત્યારે તેને અંતરને ચોરી અને લૂંટફાટ કરવામાં આવે તેવી ઘટનાઓ અગાઉ બની છે.

પરંતુ ભવિષ્યમાં ન બને તે માટે પીપળી રોડ ઉપર આવેલ લેમન સિરામિક ખાતે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ની હાજરીમાં જાગૃતિ માટેની મીટીંગ યોજાઇ હતી અને તેમાં ઉદ્યોગકારોએ શું શું કરવાની જરૂર છે તેના વિશેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્રારા પીઆઇ એસ.કે. ચારેલની અધ્યક્ષતામાં પીપળી રોડ પર લેમન સિરામિકમાં જાગૃતિ બાબતે ઉધોગકારોની મીટીંગ યોજાઇ હતી જેમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગુનાઓ અટકાવવા માટે સવિશેષ ધ્યાન આપવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ચોરી લુંટફાટ ના ગુનાઓ અટકાવવા માટે પોલીસે જાણકારી આપી હતી.

જેમા દરેક કંપની ના મેઇન ગેટ ઉપર અને રોડ ની બને બાજુ કવર થાય તે રીતે હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમરા ખાસ લગાવવામાં આવે, જરૂરી લાઇટિંગ વ્યવસ્થા કરવી, કોઈ પણ વ્યક્તિ ને ગોડાઉન કે અન્ય પ્રોપર્ટી ભાડે આપી તો ભાડે રાખનારના પૂરતા આધાર પુરાવા લેવા, આધારકાર્ડ ઉપરાંત પાનકાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ પણ લેવુ અને ભાડા કરાર પુરતા પુરાવા લઇને કરવા માટે કહ્યુ હતુ.

આ ઉપરાંત કંપનીમાં કામ કરતા માણસો ના આધારકાર્ડ ખાસ રેકોર્ડમાં રાખવા અને વિશેષ જરુર જણાય તેવા કિસ્સામાં બીજુ અન્ય ફોટો આઇડી લેવુ, કંપની માં ચોરી – લુંટફાટ કરતા કોઇ પકડાય તો કાયદો હાથ માં લેવો નહી અને નજીક ના પોલિસ સ્ટેશન માં અચુક જાણ કરવી તેવુ કારખાનેદારોને જણાવ્યુ હતુ.

આ જાગૃતિ માટેની મીટીંગમાં પીપળી રોડના ઉધોગકારો તથા સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને હરેશભાઇ બોપલીયા તેમજ મણીભાઇ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેમન સિરામિકના પરેશભાઇ પટેલ સહિતના ભાગીદારો તથા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.












