હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે અને તેથી આ પવિત્ર ધાર્મિક આયોજનમાં ભાગ લેવા જવા ગુજરાતીઓ પણ આતુર છે. દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ આવે છે અને પવિત્ર સ્નાનો લાભ લે છે.

તેવામાં ગુજરાતીઓ પ્રયાગરાજમાં જઈને પવિત્ર સ્નાન કરવા ઈચ્છે છે પરંતુ મોટા ભાગના લોકો સામે ત્યાં જવું કેવી રીતે તે સમસ્યા ઊભી થઈ છે. કેમ કે હાલમાં પ્લેન, ટ્રેન અને બસમાં બૂકિંગ ફૂલ થઈ ગયું છે અને વેઈટિંગ પણ ઘણું લાંબુ છે. આ ઉપરાંત ફ્લાઈટ્સ અને ત્યાંની હોટલોના ભાડા બેથી ત્રણ ગણા થઈ ગયા છે જેના કારણે પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદના 28 વર્ષીય બિઝનેસમેન અંકિત પંચોલીએ જણાવ્યું હતું કે, તે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેમને લાગતું નથી કે તે ત્યાં જઈ શકશે. તેમણે ટ્રેનની તપાસ કરી તો તમામ ટ્રેનો બૂક થઈ ગઈ છે અને વેઈટિંગ લિસ્ટ પણ ઘણું જ લાંબુ છે.

સરકારી અને ખાનગી બસોમાં પણ સીટ ઉપલબ્ધ નથી અને હવાઈ ભાડા તો સામાન્ય લોકોની પહોંચની બહાર છે. અંકિતનું કહેવું છે કે તે આ ભવ્ય અને પવિત્ર કુંભ મેળામાં જવાનું સપનું જોઈ રહ્યા હતા પરંતુ લોજિસ્ટિકની સમસ્યાના કારણે તેમનું સપનુ સાકાર થઈ શકશે તેવું લાગી રહ્યું નથી.














