28 બેઠકો માટે 102 ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી: સેન્સ લેવાઈ
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી તથા ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય,ત્યારે ભાજપ તથા કોંગ્રેસ દ્વારા ઉમેદવારો કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાજપ દ્વારા નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો નકકી કરવા સેન્સ લેવામાં આવી હોય, જેમાં બંન્ને જગ્યાએ ભાજપમાંથી ઉમેદવારી માટે દાવેદારીનો રાફડો ફાટયો હોય તેવો ઘાટ સર્જાયો છે….

વાંકાનેર ભાજપમાં પણ બે જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ માટે બંને જુથોએ ચોકઠાં ગોઠવી પોતાની પેનલના ઉમેદવારોને આગામી ચૂંટણીમાં પક્ષ તરફથી ટીકીટ મળે તે માટે તૈયારીઓ શરૂ કરી છે.

જેમાં વાંકાનેર નગરપાલિકાનાં સાત વોર્ડની 28 બેઠકો માટે ગઈકાલે લેવાયેલી સેન્સમાં કુલ 102 ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે.જેમાં વોર્ડ નં.એકમાં 22, વોર્ડ બેમાં 14, વોર્ડ ત્રણમાં 14, વોર્ડ ચારમાં ફકત 01, વોર્ડ પાંચમાં 16, વોર્ડ છમાં 22 અને વોર્ડ સાતમાં 13 લોકોએ મોવડી મંડળ સામે દાવેદારી રજૂ કરી છે.જયારે તાલુકા પંચાયતની ચંદ્રપુર એક બેઠક માટે પાંચ ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી છે.

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ધારાસભ્ય તથા સાંસદ જુથો વચ્ચે બરાબરીની ટકકર જોવા મળી રહી છે. જેનો ડેમાં ગઈકાલે લેવાયેલી સેન્સમાં દેખાયો છે.જેમાં બંને જુથોએ વોર્ડ દીઠ પોતાના ઉમેદવારોની પેનલો બનાવી દાવેદારી નોંધાવી અને લોબિંગ શરૂ કરતાં વાંકાનેરના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે.

ત્યારે આગામી દિવસોમાં કયાં જુથનો દબદબો પક્ષમાં રહેશે તેનું સ્પષ્ટીકરણ ભાજપ મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની પસંદગી કર્યા બાદ જ થશે. જેથી હાલ વાંકાનેર વિસ્તારના નાગરિકો ભાજપ ઉમેદવારોના નામની યાદીની રાહ આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે.













