Sunday, February 16, 2025
HomeFeatureમોરબી જિલ્લામાં મુદ્રક-પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે...

મોરબી જિલ્લામાં મુદ્રક-પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહીં

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૫ ને ધ્યાનમાં રાખતા કોઇપણ વ્યકિત કે સંસ્થાને મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં. અથવા તો છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ  અને કલેકટર કે.બી.ઝવેરી, મોરબી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવાયું છે.

           આ હુકમ અનુસાર મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારો માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલો, હોર્ડિંગ્સ, કટ-આઉટ વગેરેનું ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી છાપકામ કરી પ્રસિદ્ધ કરવામાં આવે છે અને લોકોમાં વહેંચવામાં આવે છે.

          આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર ખંડન જેવી કોઇ ગેરકાનુની, વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો તે સંબંધિત વ્યક્તિ સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રણ પગલાં લઇ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા-ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન પરના નિયંત્રણની ચૂસ્ત અમલવારી કરવી જરૂરી જણાય છે. 

         જે અંતર્ગત કોઇપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં. સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરાર પત્રની એક નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ ની કચેરીને તથા સંબંધિત ચૂંટણી અધિકારી ની કચેરીને મોકલી હોય. આવા હોર્ડિંગ્સની સાઇઝ ૧૫ ફૂટ X ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહીં અને કટ-આઉટની ઊંચાઈ ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહીં.

           તેમજ છાપેલા ચૂંટણી અંગેના કોઇપણ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે તથા મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ ની કચેરી તથા સંબંધિત ચૂંટણી અધિકારી ને રજૂ કરવાની રહેશે. હાથે નકલ કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રકના એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.  

         આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર બનશે. ઉક્ત જાહેરનામું મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં આગામી તારીખ ૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!