મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ ગત તારીખ ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. ચૂંટણી હેઠળના વિસ્તારમાં રાજકીય પક્ષ/ ઉમેદવારો/ કાર્યકરો ચૂંટણી પ્રચાર પ્રસાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટાપાયે કરતા હોય છે. જેમાં ખૂબ ઊંચા અવાજમાં પ્રચાર કરતા લાઉડસ્પીકરના ઉપયોગને કારણે ખુબ જ ધ્વનિ પ્રદૂષણ પેદા થાય છે અને આમ જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે.

જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડસ્પીકરના બેફામ ઉપયોગ અને મનસ્વી રીતે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવા માટે ચૂંટણી હેઠળના વિસ્તારમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને ક્લેક્ટર કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના ૦૬-૦૦ કલાકથી રાત્રિના ૧૦-00 કલાક સુધી જ થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ પર અથવા કોઈપણ પ્રકારના વાહનો પર સક્ષમ અધિકારી નું નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં.

તેમજ પરવાનગી મેળવેલા વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારી /મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમુનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે. વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમિટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિએ જે-તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી ને ઉપયોગ કરતા પહેલા લેખિતમાં જાણ કરવાની રહેશે. લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગમાં લેવાયેલ લાઉડસ્પીકર તથા લાઉડસ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે.

આ ઉપરાંત કોઈ પણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

આ જાહેરનામું ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળની જોગવાઈ અનુસાર આગામી તારીખ ૨૧/૦૨/૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળના વિસ્તારમાં અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર બનશે.











