હનુમાનજી મંદિરથી બાયપાસ રોડ સુધી કાર્યવાહી: વનવીક-વન રોડ અંતર્ગત 28 કિ.મી.ના રોડ દબાણમુક્ત કરાવવાનો પ્લાન
મોરબીમાં મોટાભાગના રોડની આજુબાજુમાં દબાણો છે ત્યારે આ દબાણોને દૂર કરવા માટેની ખાસ ઝુંબેશ મહાપાલિકાની ટીમે શરૂ કરી છે તેના ભાગરૂપે વન વીક વન રોડ દબાણ હટાવવામાં આવી રહ્યા છે અને ગઇકાલે મોરબીના વાવડી રોડે દુકાનદારોના કાચા પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું


મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યાર બાદ પહેલા જ કમિશનરે દબાણો હટાવવા માટેની વાત કરી હતી ત્યાર બાદ જુદાજુદા વિસ્તારમાં દબાણો દુર કરવામાં આવી રહ્યા છે તેવામાં પહેલા મોરબીના શનાળા રોડ ઉપર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

અને ગઇકાલે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતની ટિમ બુલડોઝર સાથે મોરબીના વાવડી રોડે પહોચી હતી અને ત્યાર દુકાનો અને મકાનો પાસે કરવામાં આવેલા કાચા અને પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે વાવડી રોડ ઉપર હનુમાનજી મંદિરથી બાયપાસ સુધીના રોડની બંને બાજુએ દબાણો હતા તેને દૂર કરાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે, મહાપાલિકાની ટિમ ધડોધડ દબાણ દૂર કરી રહી છે જેથી કામ શરૂ કરવામાં આવ્યું તે પહેલા લગભગ 50 થી વધુ લોકોએ સ્વેચ્છાએ તેના દબાણો હટાવી લીધા હતા. વધુમાં અધિકારી કહ્યું હતું કે, હાલમાં શહેરમાં 28 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવેલ છે .

જેમાં દર બુધવારે એક દિવસ વન વિક વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. હાલમાં જે વાવડી રોડ ઉપરથી દબાણોને દૂર કરવામાં આવેલ છે તે રોડને આઇકોનીક રોડ બનાવવામાં આવશે. આ રોડની બંને બાજુએ ફૂટપાથ, બેસવાના બાંકડા, સારી સ્ટ્રીટ લાઇ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

