મોરબી જિલ્લામાં સિરામિક સહિતના ઉદ્યોગના માલિકોને બજેટને લઈ ઘણી બધી અપેક્ષાઓ છે. સાથે જ નવલખી પોર્ટને વ્યાપાર અર્થે વિકસાવવા માંગ ઉઠી છે.

કેન્દ્ર સરકાર તરફથી પહેલી ફેબ્રુઆરીના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ બજેટ કરાશે. ત્યારે મોરબી જિલ્લામાં સિરામિક સહિતના ઉદ્યોગના માલિકોને બજેટને લઈ ઘણી બધી અપેક્ષાઓ છે. છેલ્લા ઘણા સમયથી સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ છે.

સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન માટે નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. જે ગેસ પર 6 ટકા વેટ લાગે છે તેને GSTમાં સમાવવા સાથે જ નવલખી પોર્ટને વ્યાપાર અર્થે વિકસાવવા માંગ ઉઠી છે. સિરામિક ઉદ્યોગની જેમ મોરબીમાં અન્ય મિલો પણ આવેલી છે. જેમાં પેપર મિલ, પેકેજિંગ, પોલિપેકના સંખ્યાબંધ કારખાના છે.

કારીગરો બેરોજગાર બન્યા !
તો હાલમાં જ 23 જેટલી પેપર મિલો બંધ થતા કારીગરો બેરોજગાર બન્યા છે તો 52 મિલો ધમધમી રહી છે પરંતું મુશ્કેલીનો સામનો કરી રહી છે. વર્ષ 2025-26ના બજેટમાં ઈમ્પોર્ટ વેસ્ટ પેપરના ઉપયોગ પર સરકારના ડ્યુટીને હટાવવામાં આવે તો ઉદ્યોગને ફાયદો થાય તેમ છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીના ઉદ્યોગકારો કેન્દ્ર સરકારનું બજેટ આવવાનું હોય છે તેના પહેલા પોતાની માંગણી મોકલાવે છે અને બજેટને લઈને ઘણી આશા અને અપેક્ષા રાખીને બેઠા હોય છે


