રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓને રોકવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ પગલું લોકોને નકલી નંબરો પરથી આવતા કોલ ઓળખવામાં મદદ કરવા માટે લેવામાં આવ્યું છે. રિઝર્વ બેન્કે માર્કેટિંગ અને બેન્કિંગ માટે બે નવી સિરીઝના કોલની જાહેરાત કરી છે. હવે આ બે નંબર પરથી જ મોબાઈલ નંબર પર માર્કેટિંગ અને બેન્કિંગ કોલ આવશે. આ બે સિરીઝ સિવાય અન્ય કોઈપણ નંબર પરથી આવતા કોલ નકલી હશે.

RBIએ જાહેર કરેલ ગાઈડલાઈનમાં કહ્યું કે, બેન્કોએ ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ કરવા માટે ફક્ત 1600થી શરૂ થતી સિરીઝનો ઉપયોગ કરવો પડશે. બેન્કો આ સિરીઝ સિવાય અન્ય કોઈપણ નંબરની સિરીઝનો ઉપયોદ ગ્રાહકોને કોલ કરવા માટે કરી શકશે નહીં.

આ ઉપરાંત બેન્ક હોમ લોન, પર્સનલ લોન, કાર લોન, ક્રેડિટ કાર્ડ, વીમો, ટર્મ ડિપોઝિટ જેવી સેવાઓ માટે પ્રમોશનલ કોલ કરવામાં આવે છે. બેન્કો માત્ર 140થી શરૂ થતી સિરીઝ પરથી જ ગ્રાહકોને આ સેવાઓ માટે પ્રમોશનલ કોલ કરી શકે છે. આ માટે બેન્કો અને સેવાઓને પ્રમોટ કરતી કંપનીઓએ ટેલિકોમ ઓપરેટરો સાથે વ્હાઇટ લિસ્ટમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

હવે આ બે નંબર પરથી જ આવશે કોલRBIએ જાહેર કરેલ ગાઈડલાઈનમાં કહ્યું કે, હાલમાં સાયબર ગુનેગારો છેતરપિંડી માટે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. સાયબર ગુનેગારો મોબાઈલ નંબર દ્વારા કોલ અને મેસેજ કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તાજેતરમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જેમાં બેન્કોના નામે ફોન કરીને અને મેસેજ મોકલીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા ભારતીય રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા વિશે માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, યુઝર્સ 1600 અને 140 નંબર પરથી આવતા કોલથી જ રિયલ અને ફેક કોલની ઓળખ કરી શકે છે.
