લોનના કાગળો ચકાસવા જરૂરી: અનેક રીતે ચાર્જ પડાવી લેતી કંપનીઓ
મોરબીના વતની નિરાલીબેન રાહુલભાઈ ભાલોડીયાને ઈન્ડીયા સેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન કંપની તરફથી અન્યાય થતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ અદાલતમાં કેઈસ દાખલ કરતા કોર્ટે નિરાલીબેનને રૂા.ત્રીસ હજાર પુરા 9 ટકાના વ્યાજ સાથે અને રૂા.સાત હજાર અન્ય ખર્ચના મળી કુલ રૂા 37,000 તા.10-9-22 થી ચુકવવાનો આદેશ કરેલ છે.

કેસની વિગત એવી છે કે, નિરાલીબેન ભાલોડીયા બંને પતિ પત્નિએ ઈન્ડીયા સેલ્ટર ફાઈનાન્સ ગુડગાંવ પાસેથી રૂા. 14,50,000 ની લોન લીધેલ અને પ્રતિમાસ રૂા.19,301/- લેખે 180 હપ્તાથી લોન ભરપાઈ કરી આપવામાં આવેલ હોવા છતા કંપનીએ ગ્રાહક પાસેથી રૂા.30,000 વધારે વસુલ કરેલ છે જે ફાયનાન્સ કંપનીની સેવામાં ખામી દેખાઈ આવે છે.

જયારે નિરાલીબેને રકમ પાછી માંગી તો પરત આપવાની ના પાડતા તેઓએ જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ દાખલ કરેલ. અદાલતે ધ્યાનપૂર્વક કેસનો અભ્યાસ કરી નિરાલીબેન પાસેથી વધારાના વસુલ કરવામાં આવેલ રૂા. 30,000 ઉપર તા.10-9-22 થી 9 ટકાના વ્યાજ સહીત તથા રૂપીયા 7,000 અન્ય ખર્ચના મળી કુલ રૂપીયા 37,000 નીરાલીબેનને ચુકવી આપવા ફાયનાન્સ કંપનીને આદેશ કરેલ છે.

ગ્રાહકે લોન લેતા પહેલા ફાયનાન્સ કંપની પાસેથી લોનના કાગળોની કોપી મેળવી લેવી જરૂરી અને આવશ્યક રહે છે.અમુક ફાયનાન્સ કંપની પોતાની રીતે વર્તન કરે છે. છઇઈં ની મંજુરી વગર ચેક રીટર્ન થાય તો રૂા. 500 પેનલ્ટી વસુલ કરે છે તે ગેરકાયદેસર છે.આમ આવી ઘણી બધી રીતે ગ્રાહક પાસેથી નાણા વસુલ કરવામાં આવે છે.જેની ગ્રાહકને ખબર પણ હોતી નથી.

જેથી ગ્રાહક જયારે પણ પૈસા ભરે ત્યારે યાતો ચેકથી ભરે અગર તો ઓન લાઈન ભરે અને જો રોકડા ભરે તો તેની પહોંચ લેવી જરૂરી અને આવશ્યક છે.જો કોઈપણ ગ્રાહકને આ રીતે કોઈપણ તરફથી અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.98257 90412 ), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.93274 99185) અથવા મંત્રી રામ મહેતા (મો.99047 98048) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.
