મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધના દીકરાને બે શખ્સોએ ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા જેની સામે તે બંનેને વ્યાજ સહિતની મુદલ રકમ પરત આપી દીધી હોવા છતાં વૃદ્ધના દીકરા પાસેથી બળજબરી પૂર્વક ચેક લખાવી લેવામાં આવ્યા હતા અને વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે થઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદ આધારે પોલીસે બે પૈકીનાં એક આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં આવેલ ઉમા પેલેસ બ્લોક નંબર 701 માં રહેતા રતિલાલ હરખજીભાઈ ફેફર (62)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્ર રઘુવીરભાઈ રામાનુજ તથા વિજય વશરામભાઈ હુંબલ સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ તેના દીકરાને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા.
જે ફરિયાદીએ વ્યાજ અને મુદ્દલની રકમ આરોપીઓને પરત આપી દીધેલ છે તેમ છતાં પણ બળજબરી પૂર્વક ફરિયાદીના દીકરા પાસેથી ચેક લખાવી લીધા હતા અને વ્યાજના રૂપિયાની બળજબરી પૂર્વક ઉઘરાણી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ.કરકર અને ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી વિજય વશરામભાઈ હુંબલ (37) રહે. મોટા દહીસરા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.
મારામારીમાં ઈજા
ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેતા શ્રદ્ધાબેન હિતેશભાઈ પાટડીયા (23), હિતેશભાઈ હરેશભાઈ પાટડીયા (23) અને સાવન ગોપાલભાઈ પાટડીયા (18) ને સજનપરથી ટંકારા જતા રસ્તે ઘુનડા નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવના અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.જ્યારે ટંકારાના કોઈલી ગામે રહેતા આશિષ બદીયાભાઈ ભુરીયા નામનો નવ વર્ષનો બાળક બાઇકમાં જતો હતો.
તો સમયે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જતા ઇજા થતા મોરબી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લવાયો હતો.તેમજ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા રામાભાઇ કાળુભાઈ નામના 65 વર્ષના વૃદ્ધને શ્વાસની બીમારી સબબ વાંકાનેરની સિવિલ ખાતે સારવાર બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.