રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું ગૌરવ વધ્યું; ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના ભુપેન્દ્રભાઈ સમગ્ર દેશમાં પ્રથમ

૬૦૦ માંથી ૪૮૭ પોઇન્ટ મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો; અગાઉ રાષ્ટ્રીય/રાજ્ય કક્ષાએ ૪૧ એવોર્ડ પ્રાપ્ત કર્યા

ભારત સરકાર દ્વારા ચાર વખત રીનાઉન્ડ શુટર્સ તરીકે પસંદગી; નિશાન એવોર્ડ અને સરદાર પટેલ એવોર્ડ વિજેતા છે ભુપેન્દ્રભાઈ

સૌરાષ્ટ્રના પેરિસ સમા મોરબીનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર થયું છે, મોરબીના ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે દિલ્હી ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ૫૦ મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટમાં સમગ્ર દેશમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને મોરબીને રાષ્ટ્રીય કક્ષાએ આગવું ગૌરવ અપાવ્યું છે.

દેશની રાજધાની એવા દિલ્હીમાં ૧૩ ડિસેમ્બરથી ૦૫ જાન્યુઆરી સુધી કરણસિંહજી શૂટિંગ રેન્જ, તુઘલકાબાદ, ન્યુ દિલ્હી ખાતે ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૭,૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે.

ત્યારે મોરબી જિલ્લાના હરીપર-કેરાળાના વતની અને હાલ મોરબીમાં રહેતા ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે ૫૦ મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ૬૦૦ માંથી ૪૮૭ પોઇન્ટ મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ આ ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્ય અને મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કર્યું છે.

ભુપેન્દ્રભાઈએ સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે પણ ફરજ બજાવી છે. અગાઉ પણ તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૧૬ અને રાજ્ય કક્ષાએ ૨૫ સહિત કુલ ૪૧ જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ભારત સરકાર દ્વારા ચાર વખત તેમની રીનાઉન્ડ શૂટર્સ તરીકે પણ પસંદગી કરવામાં આવી છે અને તેમણે ઇન્ટરનેશનલ જ્યુરી તરીકે પણ સેવા આપી છે. ઉપરાંત વર્ષ ૨૦૦૬ માં તેમને ગુજરાતના રાજ્યપાલશ્રીના વરદ હસ્તે નિશાન એવોર્ડ અને વર્ષ ૨૦૧૪માં રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

error: Content is protected !!
Exit mobile version