ખેલશે ગુજરાત : ‘ખેલમહાકુંભ’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી : રંગારંગ કાર્યક્રમો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટીક્સ ગ્રાઉન્ડમાં ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદારની જમાવટ, ખેલાડીઓ – દર્શકોને ડોલાવ્યા

રાજ્ય કક્ષાના ખેલમહાકુંભ 3-0 નો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  આજે સાંજના સૌરાષ્ટ્ર યુનિ.ના એથ્લેટીક્સ ગ્રાઉન્ડ ખાતેથી સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેલાડીઓની બહોળી ઉપસ્થિતિમાં દબદબાભેર પ્રારંભ કરાવેલ હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજ્યના રમત-ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા-બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ અતિથિ વિશેષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા, પ્રવિણાબેન રંગાણી, સાંસદ પરસોતમ રુપાલા, રામભાઇ મોકરીયા, કેશરીદેવસિંહ ઝાલા, જયેશ રાદડીયા, ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, ગીતાબા જાડેજા, મહેન્દ્રભાઇ પાડલીયા,  જીતેન્દ્ર સોમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ખેલ મહાકુંભના પ્રારંભમાં ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર અને આર.જે. આભાએ કલાના કામણ પાથરી ખેલાડીઓ અને દર્શકોને ડોલાવી દીધા હતા. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના અતૃતીય રમતોત્સવ માટે 7130834 રમતવીરોના રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયા છે.

જેમાં રાજકોટ જિલ્લાના 283805 ખેલાડીઓ રાજકોટ  મહાનગરપાલિકામાં 94533 અને રાજકોટ ગ્રામ્યમાં 189272 ખેલાડીઓના રજીસ્ટર થવા પામેલ છે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેલાડીઓ માટે  ઉત્સાહપ્રેરક  પ્રવચન આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી દીધા હતા.

સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોના હસ્તે ખેલ મહાકુંભ 2.0ની શ્રેષ્ઠ ત્રણ-ત્રણ શાળાઓ, જિલ્લાઓ અને પાલિકાઓને સન્માનીત પાઠવતા પુરસ્કૃત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સ્થાને આવેલ ગજેરા વિદ્યાભવન કતાર ગામને રૂા.5 લાખ, બીજા સ્થાને આવેલ એસ.આર. હાઇસ્કૂલ દેવગઢ બારીયા-દાહોદને રૂા.3 લાખ અને ત્રીજા સ્થાને રહેલ શાળા નોલેજ હાઇસ્કૂલ નડીયાદને રૂા. 2 લાખના રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનીત કરવામાં આવી હતી.

આવી જ રીતે ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ જિલ્લાઓમાં પ્રથમ સુરત, દ્વીતીય અમદાવાદ અને તૃતીય વડોદરાને  સન્માનીત કરવામાં આવેલ હતા. જ્યારે શ્રેષ્ઠ પાલિકાઓમાં પ્રથમ ખેડા, દ્વીતીય દાહોદ અને તૃતીય બનાસકાંઠા જિલ્લાનો પણ આ સમારોહમાં અભિવાદન કરવામાં આવેલ હતું. ખેલાડીઓના સન્માન બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકોટ અને અમદાવાદના 150 જેટલા કલાકારો દ્વારા 15 મીનીટનો ડાન્સ પરફોર્મન્સ રજુ કરવામાં આવેલ હતું.

જેમાં ગણેશ વંદન, વંદે માતરમ, સુઝલામ-સુફલામ, ટીમ ઇન્ડિયા સુલતાન સહિતના ગીતો પર જબરદસ્ત પર્ફોમન્સ રજુ કર્યુ હતું તેમજ સ્પે. પર્ફોમન્સ તરીકે તૈયાર કરાયેલ ગીત ‘ખેલ ખેલ મેં’નું સ્ક્રીનીંગ ઉપરાંત ખેલાડીઓ દ્વારા જીમ્નાસ્ટીક, ડાન્સ, રોપ ડાન્સ, સ્કેટીંગ, કથ્થક, મલખમ અને યોગાનું અદભૂત કોમ્બીનેશન રજૂ કર્યું હતું.  આ ખેલમહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ખેલાડીઓ ઉમટી પડ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બપોરના 3-00 વાગ્યે અમદાવાદથી રાજ્ય સરકારના ખાસ એરક્રાફ્ટમાં હિરાસર એરપોર્ટ પર આવી પહોંચતા ત્યાં સીપી બ્રજેશ શાહ, આઇજી અશોકકુમાર યાદવ તથા ડીડીઓ નવનાથ ગોવ્હાણે દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પુષ્પગુચ્છા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હિરાસર એરપોર્ટથી સીધા ઉપલેટાના પ્રાંસલા પહોંચી રાષ્ટ્રકથા શિબિરમાં હાજરી આપી હતી. જે બાદ પ્રાંસલાથી હેલીકોપ્ટર મારફતે સાંજે 5-25 કલાકે જુના એરપોર્ટ ખાતે આવી પહોંચશે જ્યાં કલેક્ટર પ્રભવ જોષી તેમજ મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની આજની રાજકોટની આ મુલાકાત દરમિયાન અડધો ડઝન જેટલા કાર્યક્રમોમાં હાજરી આપનાર છે જેમાં ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહ બાદ ધીરગુરુ મેડીકલ કોમ્પ્લેક્ષ, રૈયા રોડ ખાતે હાઇડ્રોલીક એનીમલ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ રોયલ સેફ્રોન પાર્ટી પ્લોટ કાલાવડ રોડ ખાતે આયોજીત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં હાજરી આપશે.

આ ઉપરાંત રાત્રીના 8-20 કલાકે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના નિવાસસ્થાને તેઓ રાત્રી ભોજન લેશે ત્યારબાદ તેઓ યુનિટી ફાઉન્ડેશન આયોજીત 81 દિકરીઓના લગ્નોત્સવમાં સત્ય સાંઇ રોડ, આલાપ હેરીટેઝ ખાતે આયોજીત લોકડાયરામાં હાજરી આપશે. જે બાદ તેઓ રાત્રીના 9 કલાકે બાયરોડ હિરાસર એરપોર્ટ પહોંચી સ્ટેટ એરક્રાફટમાં અમદાવાદ જવા રવાના થશે.

રાજયકક્ષાના ખેલમહાકુંભ-30નો રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ આજે સૌરાષ્ટ્રયુનિ.ના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતેથી ખેલાડીઓની વિશાળ ઉપસ્થિત વચ્ચે પ્રારંભ કરાવેલ હતો. રાજયના ગૃહમંત્રી હર્ષસંઘવી મંત્રી કુવરજીભાઈ બાવળીયા ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં ખેલાડીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતાં.

error: Content is protected !!
Exit mobile version