જરૂરિયાતમંદ લોકોને 600 ધાબળાનું જે તે સ્થળે જઇને વિતરણ કરાયું
વાંકાનેરમાં સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેતા ગઢીયા હનુમાન મિત્ર મંડળના સભ્યોએ શિયાળાની કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા જરૂરિયાતમંદોને હુંફ અને ગરમાવો વહેંચ્યો હતો અને જે તે સ્થળે જઈને 600 ધાબળાનું વિતરણ કરાયું હતું.
વાંકાનેરમાં ગઢીયા હનુમાન મિત્ર મંડળ વર્ષોથી સમાજસેવાના અનેકવિધ પ્રકલ્પ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈ રહેલાં નિરાધાર તેમજ જરૂરિયાતમંદ લોકોને તેમજ માનસિક અસ્થિર લોકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં શનિવારનાં રોજ રાત્રે 1 વાગ્યાં સુધી વાંકાનેર શહેરમાં તેમજ આસપાસનાં વિસ્તારોમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જાહેર રસ્તાઓ પર ફૂટપાથ પર તેમજ
મંદિરો જેવી દરેક જગ્યાએ ફરીને ત્યાં રહીને ગુજારો કરતા જરૂરીયાતમંદ લોકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.આ સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળને પ્રોત્સાહન પુરું પાડવા અને સેવાકિય પ્રવૃત્તિઓને બિરદાવવા માટે વાંકાનેર ડી.વાય. એસ.પી. સમીરભાઈ સારડા ગુજરાત પ્રદેશ ભાજપ વ્યાપારી સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર, શહેર ભાજપ મહામંત્રી કે.ડી. ઝાલા, નિવૃત્ત આર્મી મેન કૃષ્ણસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા.
તદુપરાંત સેવાકીય પ્રવૃતિઓ સેવાભાવીઓ દ્વારા જાહેરાત કરી જણાવ્યું છે કે શહેર તથા આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને ધાબળાની જરૂરીયાત હોય તો ગઢીયા હનુમાન મિત્ર મંડળના રવિભાઈ લખતરીયા, ભુપતભાઈ છૈયાનો સંપર્ક કરવા જણાવાયું છે. ( રિપોર્ટ : અજય કાંજીયા)