રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં 500 ગીગાવોટ વિજ ઉત્પાદનનો ટારગેટ હાંસલ કરવા ભારત આગળ વધી જ રહ્યું છે અને તેમાં ગુજરાતનો સિંહફાળો હોય તેમ છેલ્લા ચાર વર્ષમાં સોલાર-પવન ઉર્જા ઉત્પાદનમાં 86 ટકાનો મોટો વધારો થયો છે.
ગુજરાતમાં 2019-20માં રીન્યુએબલ વિજ ઉત્પાદન 23131.61 મીલીયન યુનિટનુ હતું તે 2023-24માં વધીને 43029 મીલીયન યુનીટ પર પહોંચ્યુ છે. કેન્દ્રીય રીન્યુએબલ એનર્જી મંત્રાલયના રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ગુજરાતમાં આ ચાર વર્ષના ગાળામાં સોલાર વિજ ઉત્પાદન 3631.86 મીલીયન યુનિટથી 270 ટકા વધીને 13468.91 મીલીયન યુનિટ થયુ હતુ. સોલાર પેનલ સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સરળ નીતિથી આ વૃદ્ધિદર હાંસલ કર્યો હતો.
ગુજરાતમાં 27 નવેમ્બર 2024ની સ્થિતિએ 28645 આવાસોમાં સોલાર રૂફટોપ છે. સરળ અને પ્રોત્સાહક નીતિથી સોલાર વિજ ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યુ છે. રૂફટોપ સોલાર માટે આકર્ષક યોજના છે. પરિણામે વધુને વધુ લોકો સબસીડીનો વધુને વધુ લાભ લેતા થયા છે. સોલાર પેનલ ઉત્પાદકોની સંખ્યા પણ વધી છે.
આ સિવાય પવન ઉર્જાનુ ઉત્પાદન ચાર વર્ષમાં 13748.53 મીલીયન યુનિટસથી વધીને 24794.5 મીલીયન યુનિટ થયુ છે તે 80.3 ટકાનો વધારો સુચવે છે. રીન્યુઅલ એનર્જી ઉત્પાદન ક્ષેત્રે રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે પહોંચ્યું છે.