છેલ્લા ત્રણથી ચાર દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. રાજકોટના લોકો આ ગુલાબી ઠંડીને ખુબ માણી રહ્યા છે. શિયાળો એટલે ભરપુર લીલોતરી આરોગવાનો શ્રેષ્ઠ સમય. આ ઋતુમાં લોકો લીલોતરી આરોગી શરીરને તંદુરસ્ત રાખે છે. ખાસ કરીને લીલા ચણા કહેવાતા જીંજરાનું વેચાણ પણ બહોળા પ્રમાણમાં થાય છે. ત્યારે હવે બજારમાં જીંજરાનું વેચાણ થવા લાગ્યું છે.
શિયાળામાં જીંજરા આરોગવાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે. યાર્ડમાં છેલ્લા 15 દિવસથી જીંજરાની આવક ચાલુ થઈ છે. આ વર્ષે કમોસમી વરસાદ પડવાના કારણે જીંજરાની આવક એક મહિનો મોડી છે. વરસાદના કારણે પાક બગડયો હતો અને ત્યારબાદ નવા વાવેતર બાદ હાલ નવી આવક ચાલુ થઈ છે. પરંતુ યોગ્ય ગુણવત્તાયુકત જીંજરાની આવક હજુ પણ ઓછી છે.
દર વર્ષે આ સમયગાળા દરમ્યાન જીંજરાની મબલખ આવક શરૂ થઈ જાય છે અને ભાવ પણ ઓછા હોય છે. જેની સામે હાલ આવક 60 ટકા ઓછી છે અને ભાવ પણ વધુ છે. હાલ યાર્ડમાં રોજ 40થી 50 ગાડી જીંજરાની આવક આવી રહી છે. લોધીકા સહિત રાજકોટના આજુબાજુના ગામડાઓમાંથી જીંજરાની ગાડીઓ આવી રહી છે.
મોડી આવક શરૂ થતા ભાવ પણ વધુ છે. યાર્ડમાં જીંજરા રૂા.200થી 500ના 20 કિલોએ વહેંચાય રહ્યા છે. જયારે બજારમાં 150થી 200ના કિલોએ વહેંચાય રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચ્યો હતો. જો આગામી સમયમાં કડકડતી ઠંડી પડશે તો જીંજરાની આવકમાં વધારો થશે અને ભાવ પણ ઘટે તેવી શકયતા છે.