દેશમાં ડિજિટલાઈઝેશન વધતા સાયબર ફ્રોડના બનાવો પણ વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે નવા-નવા પેંતરા અજમાવી રહ્યા છે, એવામાં નોઈડા પોલીસે 6 સાયબર ઠગોને ઝડપી પાડ્યા છે. આ ઠગો ક્રેડિટ કાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરી રહ્યા હતા. આ ઠગો બેંકના કર્મચારી બનીને લોકો સાથે વાત કરતા હતા અને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનો વાયદો આપતા હતા.
ક્રેડિટ કાર્ડ ધારકોને નિશાન બનાવતા
ત્યારબાદ તેઓ ચાલાકીથી લોકોના ક્રેડિટ કાર્ડની પર્સનલ માહિતી મેળવી લેતા હતા અને તેમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે એ જાણવું જરૂરી છે કે આ ઠગો કેવી રીતે લોકો સાથે છેતરપિંડી આચરતા હતા.
બેંક અધિકારી બનીને ફોન કરતા
પોલીસે જણાવ્યું કે, આ ગેંગ અગાઉથી જ ક્રેડિટ કાર્ડ ધારકોની વિગતો મેળવી લેતી હતી. જે બાદ તેઓ ક્રેડિટ કાર્ડ ધારકોને બેંક અધિકારી બનીને ફોન કરતા હતા અને તેમને તેમના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની ઓફર આપતા હતા.
પર્સનલ માહિતી મેળવી લેતા
ત્યારબાદ જો કોઈ ક્રેડિટ કાર્ડ ધારક તેમની વાતમાં આવી જાય, તો તેઓ તેમને એક ફિશિંગ લિંક મોકલતા હતા. આ લિંક તેમને નકલી વેબસાઈટ પર લઈ જતી હતી. આ વેબસાઈટ દેખાવમાં એકદમ બેંક પોર્ટલ જેવી જ નહીં. તેઓ ક્રેડિટ કાર્ડ ધારકોને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા.
OTP મોકલી છેતરપિંડી
ત્યારબાદ તેમની પર્સનલ વિગતો દ્વારા એપ પર લોગઇન કરવાનું કહેતા હતા. જેમાં નામ, ઈમેલ એડ્રેસ, ક્રેડિટ કાર્ડનો નંબર, કાર્ડની એક્સપાયરી ડેટ, વર્તમાન લિમિટ અને CVV નંબર સામેલ છે. આ માહિતી પોતાની પાસે આવી ગયા બાદ તેઓ ક્રેડિટ કાર્ડ ધારકના ફોન પર ઓટીપી મોકલતા હતા.
આ પછી આ ઠગો ઈ-કોમર્સ વેબસાઈટ પરથી મોંઘી-મોંઘી વસ્તુઓ ખરીદી લેતા હતા, તેઓ મોબાઈલ ફોન, સોના-ચાંદીના સિક્કા જેવી વસ્તુઓ ઈ-કોમર્સ સાઈટ પરથી ખરીદી લેતા હતા. પોલીસે એક બાતમીના આધારે 6 ઠગોને ઝડપી પાડ્યા હતા. જોકે, બેંક જેવી વેબસાઈટ અને એપ બનાવનાર માસ્ટર માઈન્ડ હાલ ઓળખ થઈ શકી નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.