બેંગલુરુમાં 34 વર્ષીય એન્જિનિયરની આત્મહત્યા અંગે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં દહેજ અને ઘરેલુ હિંસા સંબંધિત હાલનાં કાયદાઓની સમીક્ષા કરવા અને સુધારવા માટે નિષ્ણાતોની એક સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે, જેથી કાયદાનો દુરુપયોગ અટકાવી શકાય.
એડવોકેટ વિશાલ તિવારીએ દહેજ અને ઘરેલુ હિંસા સંબંધિત હાલનાં કાયદાઓની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ ન્યાયાધીશો, વકીલો અને કાયદા નિષ્ણાતોની એક સમિતિ બનાવવાની માંગ કરી છે. આ ઉપરાંત લગ્ન નોંધણી વખતે આપવામાં આવતી ભેટ-સોગાદોની નોંધ રાખવાની સૂચના આપવા પણ માંગણી કરવામાં આવી છે.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં 2010 ના એક કેસમાં સુપ્રીમ કોર્ટનાં અવલોકનોને અમલમાં મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે આઇપીસીની કલમ 498એ ના દુરુપયોગ પર પ્રકાશ પાડ્યો હતો. તાજેતરનાં આત્મહત્યાનાં કેસને ટાંકીને અરજીમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન કાયદાની સમીક્ષા કરવાનો અને તેને સુધારવાનો સમય આવી ગયો છે, જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય.
અતુલ સુસાઈડ કેસમાં પોલીસે નિકિતાના ઘરે નોટિસ ચોંટાડી
એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યાનાં કેસમાં, બેંગલુરુ પોલીસે તેમની પત્ની નિકિતા સિંઘાનિયાના ઘરે નોટિસ ચોંટાડી છે. આ કેસમાં નિકિતા પણ આરોપી છે. સબ-ઇન્સ્પેક્ટર સંજીત કુમારના નેતૃત્વમાં ચાર સભ્યોની ટીમ શુક્રવારે સવારે 11 વાગ્યે ખોવા મંડી રિઝવી ખાન મોહલ્લામાં નિકિતાના ઘરે પહોંચી અને નોટિસ ચોંટાડી હતી.
સીઓ આયુષ શ્રીવાસ્તવના જણાવ્યાં અનુસાર, બેંગલુરુ પોલીસે એક નોટિસ જારી કરીને કહ્યું હતું કે ’નિકિતા સિંઘાનિયાએ તેનાં પતિ અતુલ સુભાષના મૃત્યુ અંગે પૂછપરછ માટે ત્રણ દિવસમાં બેંગલુરુના મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવું. નોટિસમાં માત્ર નિકિતાનો જ ઉલ્લેખ છે.