સામાન્ય નાગરિકોના પ્રશ્નોના નિરાકરણને પ્રાથમિકતા આપવા મંત્રીની અઘિકારીઓને તાકીદ
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા તથા જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા અર્થે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શહેરથી લઈ ગ્રામ્ય કક્ષા સુધી લોકોના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. મંત્રીએ વિકાસ કાર્યોની સાથે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે રીતે આ બાબતને પ્રાથમિકતા આપવા પણ ઉપસ્થિત અધિકારીઓને તાકિદ કરી હતી.
જિલ્લામાં વિકાસ કાર્યોની ગુણવત્તા જાળવવા માટે જરૂર પડે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવા પણ મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી. જિલ્લામાં બાકી રહેલ વિકાસકાર્યો ઝડપી હાથ ધરી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના ટાંકા, સ્મશાનની કમ્પાઉન્ડ વોલ સહિતના કામો હાથ ધરવા જણાવ્યું હતું. મોરબીની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તેમણે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજવા ઉપરાંત રસ્તાઓની બંને તરફના દબાણ વહેલી તકે દૂર કરવા જણાવ્યું હતું. મંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનું નિયમિત રીતે યોગ્ય વિતરણ થાય તે બાબતે તકેદારી રાખવા સૂચના આપી હતી. ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા તથા ડોર ટુ ડોર વાહન થકી નિયમિત રીતે કચરાનું એકત્રીકરણ કરવામાં આવે તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, અગ્રણી રણછોડભાઈ દલવાડી સહિત જિલ્લાના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.