શિયાળાની શરૂૂઆતમાં જોઈએ તેવી ઠંડી ન પડવાથી આ વર્ષે ગુજરાતમાં શિયાળું પાકનું વાવેતર ધીમું થઈ રહ્યું છે. ગુજરાત કૃષિ વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 21.44 લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષના સમાનગાળાના 29.95 લાખ હેક્ટર કરતાં 28.43% ઓછું છે.
જોકે નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં ઠંડક વધી છે તે જોતાં આગામી દિવસોમાં વાવણી વધવાની આશા છે. હવામાનના પડકારોને ધ્યાનમાં રાખીને સરકારી સલાહકારોએ ખેડૂતોને મોડી વાવણી શરૂૂ કરવા સલાહ આપી હતી. શિયાળુ પાકમાં ઘઉં, ચણા, રાઈ અને બટાટા મુખ્ય પાકો રહ્યા છે, જ્યારે જીરું, વરિયાળી અને ઇસબગુલ જેવા મસાલામાં વાવેતર વિસ્તાર ઘટયું છે. જેમ જેમ વાવણી આગળ વધે છે તેમ, અધિકારીઓ આગામી સપ્તાહોમાં સુધારાની અપેક્ષા રાખે છે.
કૃષિ વિભાગના આંકડા પ્રમાણે 2 ડિસેમ્બર સુધીમાં ઘઉંનું વાવેતર ગત વર્ષના 6.87 લાખ હેક્ટરથી 29.31% ઘટીને 4.85 લાખ હેક્ટર થયું છે. તેવી જ રીતે શિયાળાના અન્ય મુખ્ય પાકોમાં ચણાનું વાવેતર 4.56 લાખ હેક્ટર સામે 3.87 લાખ હેક્ટર, જીરું 3.76 લાખ હેક્ટરથી ઘટીને 2.11 લાખ હેક્ટર, શેરડી 1.14 લાખ હેક્ટરથી ઘટી 99,891 હેક્ટર વાવેતર થયું છે. આ ઉપરાંત ડુંગળીમાં વાવેતર 41,464 હેક્ટર પર પહોંચ્યું છે, જે ગત વર્ષે 43,879 હેક્ટર હતું. બટાકાનું વાવેતર 1.16 લાખ હેક્ટરથી નજીવું ઘટીને 1.14 લાખ હેક્ટર થયું છે.
કૃષિ વિશ્ર્લેષકોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ઓક્ટોબર સુધી ચાલેલો વરસાદ અને ત્યારબાદ ઊંચા તાપમાને શિયાળુ વાવણીમાં નોંધપાત્ર વિલંબ કર્યો હતો. સલાહકારોએ ખેડૂતોને તાપમાન ઠંડુ થાય તેની રાહ જોવાની ભલામણ કરી હતી. જેના કારણે વાવેતરના સમયપત્રકને અસર થઈ છે. હવામાનના પડકારો હોવા છતાં, અધિકારીઓ આગામી સપ્તાહમાં વાવણીમાં સુધારો થવાની ધારણા રાખે છે. ચણા અને રાઈ જેવા પાકોએ અનુક્રમે 3.87 લાખ અને 1.80 લાખ હેક્ટરને આવરી લેતા મધ્યમ પ્રગતિ દર્શાવી છે. કમોસમી વરસાદ અને આબોહવાની પરિવર્તનશીલતા અંગેની ચિંતાથી ખેડૂતો વરિયાળી અને ઇસબગુલ જેવા મસાલાની વાવણી ધીમી કરી છે.