Friday, January 17, 2025
HomeFeatureમોરબીનાં ગોર ખીજડીયા ગામે મહાનુભાવો, કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું

મોરબીનાં ગોર ખીજડીયા ગામે મહાનુભાવો, કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું

મોરબી જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોર ખીજડીયા ખાતે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ  અશોકભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સમગ્ર રાજ્યમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે, આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે માર્ગદર્શન તથા ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગે માહિતી મળી રહે તે હેતુસર ૦૬ અને ૦૭ ડિસેમ્બર દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ એ જણાવ્યું હતું કે, નર્મદાના નીર મોરબીમાં આવતા અહીં ખેતીક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના હાલના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી સિંચાઇનું પાણી મળતા ઉજ્જડ જમીન આજે નંદનવન બની છે. સરકારના ઉમદા વલણ સાથે ખેડૂતલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ આજે ઘર આંગણે ઉપલબ્ધ બની છે.

પ્રાકૃતિક ખેતીની વાત કરતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજના સમયે કેન્સર જેવી બીમારીઓ વધી છે જે બીમારીઓ અટકાવવા માટે પરંપરાગત ખેત પદ્ધતિ બદલાવી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગળ વધવું જ પડશે. જેથી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સરકારના કૃષિલક્ષી કાર્યક્રમોનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી ટ્રેકટર ઓપરેટર સ્પ્રેયર, તાર ફેન્સીંગ, લેસર લેન્ડ લેવલર અને ટ્રેકટર સહિતના સાધન સહાય યોજના અન્વયે ૭ લાખથી વધુના પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કૃષિ વૈજ્ઞાનિક  ડો. એચ.એચ. પડસુંબીયા દ્વારા ખેડૂતોને માર્ગદર્શક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. નારણકાના પ્રગતિશીલ ખેડૂત  હસમુખભાઈ કારોલીયા તથા હરીભાઈ કણઝારીયા દ્વારા પ્રાકૃતિક ખેતીની સફળતા વિશે વિસ્તૃત વાત કરી હતી.

રવિ કૃષિ મહોત્સવ અન્વયે સર્વે ઉપસ્થિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા અને રાજ્યકક્ષાનો કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને સૌએ વિવિધ વિભાગ દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલની મુલાકાત લઈને વિવિધ યોજનાકીય માહિતી મેળવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!