સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ માટે રાજ્યપાલ પાસે તારીખ માગવામાં આવી છે, પરંતુ આગામી તારીખ 29મી ડિસેમ્બરે રવિવારે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં 123 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને આશરે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. તારીખ નક્કી થયા બાદ રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારોહ યોજાશે અને વિદ્યાર્થીઓને તેમના હસ્તે જ મેડલ અને ડિગ્રી એનાયત કરવામાં આવશે. સૌથી વધુ દર વર્ષની જેમ આ વર્ષ પણ મેડિસન વિભાગના 1પ છાત્રોને અર્પણ કરાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.કમલસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પદવીદાન સમારોહમાં કુલ જુદી જુદી વિદ્યાશાખાના 123થી વધુ વિદ્યાર્થીને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાઓ તરફથી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. ગોલ્ડમેડલ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાઈઝ પણ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે.
આગામી દિવસોમાં પદવીદાન સમારોહના ગરિમાપૂર્ણ આયોજન માટે કુલપતિના અધ્યક્ષસ્થાને મિટિંગ પણ મળશે. પદવીદાન સમારોહની સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના પણ કરવામાં આવશે. આ પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ અને તેના અન્ય પેજ પરથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.