શેરબજારમાં વધારે નફો કમાવાની લાલચમાં લોકો ઘણીવાર છેતરપિંડીનો શિકાર બની જાય છે. તાજેતરમાં જ આવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. થોડા દિવસ અગાઉ જ બેંગલુરુના એક સોફ્ટવેર એન્જિનિયરે શેર માર્કેટ ફ્રોડ (Share Market Fraud)માં લગભગ 91 લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ ઘટના પર ઓનલાઈન બ્રોકરેજ ફર્મ ઝેરોધા (Zerodha)ના CEO નીતિન કામથ (Nithin Kamath)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેઓએ રોકાણકારોને આવી છેતરપિંડી (Fraud)થી બચવાની સલાહ પણ આપી છે.
નીતિન કામથે કહ્યું કે, “સાયબર ફ્રોડનો ટ્રેન્ડ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે, છેલ્લા 9 મહિનામાં જ આવી છેતરપિંડીથી 11000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે!” નીતિન કામથે તેમના આ ટ્વિટની સાથે એ સમાચાર પણ શેર કર્યા, જેમાં બેંગલુરુના એક સોફ્ટવેર એન્જિનિયરે શેર માર્કેટ ફ્રોડ (Share Market Fraud)માં 91 લાખ રૂપિયા ગુમાવ્યા.
કામથે વધુમાં જણાવ્યું કે, ‘‘મને એ વિચારીને જ ડર લાગી રહ્યો છે કે જો સાયબર ઠગો દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવા આવશે, તો શું થશે.’’ નીતિન કામથે કહ્યું કે, “તમે તમારી જાતને સુરક્ષિત રાખવા માટે એક કામ કરી શકો છો, તમે તમારા વોટ્સઅપ અને ટેલિગ્રામના સેટિંગ્સ બદલો, જેથી કોઈ અજાણી વ્યક્તિ તમને કોઈ ગ્રુપમાં એડ ન કરી શકે. વોટ્સએપના સેટિંગમાં આ ફેરફાર કર્યા બાદ તમને માત્ર એ લોકો જ ગ્રુપમાં એડ કરી શકશે, જેઓ તમારા કોન્ટેક્ટમાં છે.’’