શું તમે જાણો છો કે તમારું આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું? કાર્ડ ખોવાઈ જાય તો હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર મળશે? આજે અમે આપને આ વિશે વિગતવાર જણાવીશું
કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓમાંથી એક યોજના છે આયુષ્માન ભારત યોજના. કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત વર્ષ 2018માં કરી હતી. આયુષ્માન ભારત યોજના અંતર્ગત ભારત સરકાર દેશના લોકોને 5 લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય વીમા કવર પ્રદાન કરે છે. જોકે, ગુજરાતમાં આ રકમમાં વધારો કરીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતવાસીઓને 10 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રીમાં મળી શકે છે. સરકારની આ યોજના દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો સરકારની આ યોજનાનો લાભ પણ ઉઠાવી રહ્યા છે.
આ યોજના હેઠળ એક કાર્ડ કઢાવવું ફરજિયાત છે, જેને આયુષ્માન કાર્ડ કહેવામાં આવે છે. આયુષ્માન કાર્ડથી આ યોજના હેઠળ નોંધાયેલી સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલોમાં લોકોને ફ્રીમાં સારવાર મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો શું ફ્રીમાં સારવારનો લાભ મળી શકશે? જો નથી જાણતા તો ચાલો જાણીએ આવી સ્થિતિમાં તમારે શું કરવું પડશે.
મફત સારવાર મેળવવાની પ્રોસેસ શું છે?
જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો તમારે જે હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલી રહ્યું છે, તે હોસ્પિટલમાં જવું પડશે.
જે બાદ તમારે હોસ્પિટલમાં બનાવવામાં આવેલા ‘મિત્ર હેલ્પ ડેસ્ક’ પર જઈને સંબંધિત અધિકારીને મળવું પડશે.
અધિકારીને કાર્ડ બતાવ્યા બાદ તેઓ તમારું કાર્ડ વેરિફાઈ કરશે.
વેરિફિકેશન બાદ જો બધું બરાબર હશે તો તમને ફ્રીમાં સારવાર આપવામાં આવશે.
જો તમારી પાસે આ કાર્ડ છે તો તમારી સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે.
તમારે સારવાર માટે પૈસા ચૂકવવા પડશે નહીં.
જો તમે પણ આયુષ્માન કાર્ડધારક છો અને તમારું આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું છે અથવા ગુમ થઈ ગયું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે મિત્ર હેલ્પ ડેસ્ક પર જવું પડશે અને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર (આયુષ્માન કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર) જણાવવો પડશે, જેના દ્વારા તમારું વેરિફિકેશન કરીને તમને ફ્રીમાં સારવારનો લાભ આપવામાં આવશે.