Saturday, December 14, 2024
HomeFeatureહવે બદલાઈ જશે પાનકાર્ડ, QR કોડમાં હશે તમામ માહિતી: જાણો જૂના કાર્ડનું...

હવે બદલાઈ જશે પાનકાર્ડ, QR કોડમાં હશે તમામ માહિતી: જાણો જૂના કાર્ડનું શું થશે

PAN 2.0 Project: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આજે મહત્ત્વના નિર્ણય લેવાઈ શકે છે. મોદી કેબિનેટની બેઠકે ગઈકાલે સોમવારે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જેની પાછળ સરકારે રૂ. 1435 કરોડનું ફંડ ફાળવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ પાનકાર્ડને સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ સાથે જોડવાનો છે. જે કાર્યક્ષમતામાં વધારો કરશે.

શું છે યોજના?

સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જણાવ્યું હતું કે, પાનકાર્ડ આપણા જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. જે મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ માટે અતિ મહત્ત્વનો છે. જેને ક્યુઆર કોડની સાથે અપગ્રેડ કરવામાં આવશે. અર્થાત્ પાન નંબરને બદલ્યા વિના કાર્ડને એડવાન્સ બનાવાશે, જેના માટે કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

PAN 2.0 એ પરમેનન્ટ એકાઉન્ટ નંબર સિસ્ટમનું વ્યાપક અપગ્રેડેશન છે. જે કરદાતાઓને સીમલેસ, ડિજિટલ અનુભવ પ્રદાન કરતાં કામગીરીને સરળ બનાવે છે. આ સિસ્ટમ પાન સંબંધિત તમામ સેવાઓ અને સરકારી કામકાજ માટે સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ તૈયાર કરશે. જેમાં યુઝરનો ડેટા સુરક્ષિત રાખવા માટે સાયબર સિક્યુરિટીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

કોમન બિઝનેસ આઇડેન્ટિફાયર

PAN 2.0 યોજના હેઠળ તમામ સરકારી ડિજિટલ એજન્સીઓ માટે પાનકાર્ડ કોમન બિઝનેસ આઇડેન્ટિફાયર બનશે. પાનકાર્ડમાં ક્યુઆર કોડ આપવામાં આવશે. જેથી કરદાતાઓની વિગતોનું ઝડપી અને સુરક્ષિત વેરિફિકેશન થઈ શકશે. કરદાતાઓના ડેટાને સુરક્ષા પ્રદાન કરતાં સાયબર સિક્યુરિટીને મજબૂત બનાવવામાં આવી છે. સંપૂર્ણપણે પેપરલેસ સિસ્ટમ હોવાથી પર્યાવરણ અને ખર્ચમાં બચત કરશે.

લાભ

પાન સંબંધિત કામકાજમાં લાગતો સમય ઘટશે. તેમજ કરદાતાઓની માહિતીમાં જોવા મળતી ખામીઓ દૂર કરી ચોક્કસ વિગતો પ્રદાન કરશે. પાનકાર્ડધારકો મફતમાં પોતાનું પાનકાર્ડ અપગ્રેડ કરાવી શકશે.

કેવી રીતે કરશો અપ્લાય?

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે કે, વર્તમાન પાનકાર્ડ માન્ય છે. નાગરિકોએ નવા પાન નંબર માટે અરજી કરવાની રહેશે. વર્તમાન કાર્ડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના કાર્ડને એડવાન્સ બનાવવામાં આવશે. જેમાં ક્યુઆર કોડ આપવામાં આવશે. સરકાર આ યોજનાને ટૂંકસમયમાં લાગુ કરી શકે છે. 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!