ભારતીય જનતા પાર્ટીએ નવા સંગઠનની રચના પહેલા એક મોટો નિર્ણય લીધો છે. હવે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે મહત્તમ ઉંમર મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. આ મર્યાદાથી મોટી ઉંમરના નેતા તાલુકા કે જિલ્લા પ્રમુખ બની શકશે નહીં.
ભારતીય જનતા પાર્ટીની આજે કમલમ ખાતે બેઠક મળી હતી. પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠન પર્વને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંગઠન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય આગામી સમયમાં સંગઠનમાં પણ ફેરફાર થવાના છે. આ વચ્ચે ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા નક્કી કરી છે.
ભાજપે નક્કી કરી ઉંમર મર્યાદા
ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થાય તે પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે 40 વર્ષથી વધુ ઉંમરના કોઈ નેતા તાલુકા પ્રમુખ અને 60 વર્ષથી મોટી ઉંમરના નેતાજિલ્લા પ્રમુખ બની શકશે નહીં.
ગાંધીનગરમાં યોજાઈ ભાજપની બેઠક
ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના નવા સંગઠનને લઈને મહત્વની એક દિવસીય પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રદેશ કાર્યશાળામાં મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચના, તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે મહત્વની ચર્ચાઓ કરાઈ…આ ઉપરાંત બુથ તાલુકા અને જિલ્લા સંગઠનના કાર્યક્રમો નક્કી કરાયા હતા.
તો આજની બેઠકમાં ભાજપના તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરાઈ છે. જેમાં તાલુકા પ્રમુખ માટે મહત્તમ 40 અને જિલ્લા પ્રમુખ માટે મહત્તમ 60 વર્ષની મર્યાદા નક્કી કરાઈ છે. આ ઉપરાંત 30 નવેમ્બર સુધી બુથ સુધી કમિટી તૈયાર કરવા અને 5-15 તારીખ સુધીમાં મંડળની રચના કરવા અંગે પણ ચર્ચાઓ કરાઈ છે…આ કાર્યશાળામાં દિલ્લી ખાતેથી ભાજપના નેતાઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.