ભારતીય શિક્ષણ મંડળ-યુવા આયામ દ્વારા આયોજીત વિઝન ફોર વિકસિત ભારત (વિવિભા) અંતર્ગત રિસર્ચ પેપરની સ્પર્ધામાં રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતા એવા મૂળ રવાપર ગામના ધારા રવજીભાઈ બારમેડાએ તાજેતરમાં એસ.જી.ટી. યુનિવર્સિટી ગુરુગ્રામ,હરિયાણા ખાતે રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરવા બદલ શિલ્ડ અને સન્માનપત્ર દ્વારા અભિવાદિત થયેલ.
તેમની આ સિદ્ધિ બદલ ભુજની કચ્છ યુનિવર્સિટીના કુલપતિ, કચ્છ યુનિવર્સિટીનું સંશોધન અને વિકાસ વિભાગ તેમજ શિક્ષણશાસ્ત્ર વિભાગ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. હાલમાં ધારાબેન ગાંધીધામ ખાતે આવેલ વી.ડી. ઠક્કર બી.એડ્. કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકેની સેવા આપી રહ્યા છે ત્યારે આ કોલેજના ટ્રસ્ટી, પ્રાચાર્ય તેમજ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે અભિનંદનની વર્ષા વર્ષાવી હતી. તેઓની આ સિદ્ધિ રવાપર ગામ માટે ગૌરવની વાત હોઈ ગામના સરપંચ પરેશભાઈ રૂપારેલ, માજી સરપંચ પુષ્પાબેન રૂપારેલ અને વિપક્ષી તાલુકા નેતા અશ્વિનભાઈ રૂપારેલે પણ અભિનંદન પાઠવ્યા હતા.
ધારાબેન દ્વારા ‘ભારતીય શિક્ષણ: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય’ વિષય પર તૈયાર કરવામાં આવેલ રિસર્ચ પેપર ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા અને જીવનવ્યવસ્થાપન વિષયમાં સમાવિષ્ટ થયેલા શ્લોકોમાંથી સંવર્ધિત થતું વ્યક્તિગત મૂલ્ય શિક્ષણ’ પર રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવેલ હતું.