અન્નપૂર્ણા ભૂમિ ખેતી પાકોની વૃદ્ધિ માટેના જરૂરી તમામ તત્વો કુદરતી રીતે ધરાવે છે
ખેતી પાકોની વૃદ્ધિ માટેના જરૂરી તત્વો ધરાવતી આ ભૂમિ અન્નપૂર્ણા છે, જ્યારે અન્ય તત્વો પર્ણોની પાસે વાતાવરણમાં જ પૂરતા પ્રમાણમાં હાજર હોય છે. આપણા ખેતી પાકો જમીનમાંથી ફક્ત ૧.૫ થી ૨% ખનીજ તત્વો લે છે. બાકીના ૯૮ થી ૯૮.૫ ટકા હવા, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા લે છે. ખેતી પાકનું ૯૮ ટકા શરીર હવા અને પાણીથી જ બનતું હોય તો ઉપરથી કોઈપણ રાસાયણિક ખાતર અથવા ઝેરી જંતુનાશક દવાઓ નાખવાની જરૂર જ ક્યાં ઊભી થાય છે? કોઈપણ લીલું પાન (વૃક્ષ અથવા છોડવાના) દિવસ આખો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા ખોરાક પેદા કરે છે.
આ પાન ખોરાક નિર્માણ કરવાનું કારખાનું છે. જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, જમીનમાંથી મૂળ દ્વારા ચોમાસાના વરસાદ અથવા કૂવા કે પાણીના તળાવમાંથી આપવામાં આવેલું પાણી ઊઠાવે છે અને તે સૂર્યપ્રકાશ લે છે.
(પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રતિ દિન ૧૨.૫ કિલો કેલરી) આ ત્રણેય વસ્તુઓમાંથી વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે.પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે. આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે અને મુખ્ય પાક બોનસના રૂપમાં મળે છે, જેનાથી ખેડૂતનો ખેતી ખર્ચ બહુ જ ઓછો થઈ જાય છે. પ્રાકૃતિક ખેતીમાં ખેતી પાકને વૃદ્ધિ માટે અને ઉત્પાદન લેવા માટે જે જે સંસાધનોની જરૂરિયાત પડે છે તે બધા ઘરમાં જ ઉપલબ્ધ થાય છે.
પ્રાકૃતિક ખેતીનો નારો છે ‘ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં.પ્રાકૃતિક કૃષિ શું છે તેની વાત કરતા પહેલા આપણે વિચાર કરીએ કે, જંગલનાં વૃક્ષોને યુરિયા અથવા ડી.એ.પી. કોણ આપે છે? જંતુનાશક દવાઓનો છંટકાવ કોણ કરે છે? વૃક્ષોને પાણી કોણ આપે છે? આમ છતાં આ ઝાડ પર મબલખ ફળ આવે છે. આપણે જંગલના કોઈપણ વૃક્ષ કે વનસ્પતિનું પર્ણ લઈને કોઈપણ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ એટલે એક પણ પોષક તત્વની ઊણપ જોવા મળશે નહીં. જંગલમાં કામ કરતાં આ નિયમનું ખેતરમાં અમલ એટલે પ્રાકૃતિક ખેતી.જમીનના પૃથક્કરણમાંતો અનેક વખત જોવા મળ્યું કે, જમીનમાં પોષક તત્ત્વોની ઊણપ હોતી નથી. તેમ છતાં વધુ ઉત્પાદન મળતું નથી.
આવું જમીનની ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યની ઊણપના કારણે થતું હોય છે. આવી જમીનમાં છોડવાઓને પૂરતા પ્રમાણમાં ભેજ અને પોષક તત્ત્વો ઉપલબ્ધ થતાં નથી અને વાપ્સા તેમજ હ્યુમસ નિર્માણ થઈ શકતું નથી. જો જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ જાય તો ઓછા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ હોવા છતાં પણ સારુ ઉત્પાદન લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં આ ગુણ જમીનમાં આપમેળે જ ઉપલબ્ધ થઈ જાય છે.છોડ/ઝાડ ખોરાક બનાવવા માટે જરૂરિયાત મુજબ હવા, પાણી અને સૌર ઊર્જા પ્રકૃતિમાંથી લે છે, જે બિલકુલ મફત મળે છે.
બાકી રહેલ ૧.૫ થી ૨ ટકા ખનીજો મૂળ દ્વારા જમીનમાંથી લે છે તે પણ મફતમાં જ મળે છે અને તે જમીનમાંથી જ મેળવી લે છે, કારણ કે તે મૂળભૂત રીતે જમીન છે. જ્યારે આ વાસ્તવિકતા છે કે, કંઈ પણ નાખ્યા વગર જંગલનાં વૃક્ષો વર્ષો વર્ષ અગણિત ફળો આપે છે, તો તેનો અર્થ એ થયો કે, તે વૃક્ષોનાં મૂળ પાસે જમીનમાં જરૂરી તમામ પોષક તત્ત્વો પહેલાંથી જ હાજર છે. જો આ તમામ જરૂરી પોષક તત્વો જમીનમાં ઉપલબ્ધ ન હોય તો વૃક્ષ, વનસ્પતિ છોડને ઉપલબ્ધ થાત નહીં.આપણે જમીન ઉપર પડેલા દેશી ગાયના છાણને ઉઠાવીશું, તો જમીન ઉપર, જ્યાંથી છાણ ઉપાડેલું છે, ત્યાં બે ત્રણ છિદ્રો જોવા મળશે. આ છિદ્રો આપણા દેશી અળસિયાં કરે છે.
તેનો મતલબ કે, દેશી ગાયના – છાણમાં દેશી અળસિયાંને ઉપર ખેંચવાની અદ્ભુત તાકાત છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ ઉપયોગી ભોજન ઉપલબ્ધ કરાવવાવાળા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે.પ્રાકૃતિક કૃષિ માટે સૌથી મહત્વનું તત્વ હોય તો એ છે ગાયનું છાણ. ત્યારે વાત કરીએ કે એકર જમીન માટે કેટલું છાણ જોઈએ? એક મહિનાની અંદર ઓછામાં ઓછા એક વખત પ્રતિ એકર દેશી ગાયનું ૧૦ કિલોગ્રામ છાણ ઉપયોગમાં લેવાની જરૂર છે.
એક દેશી ગાય એક દિવસમાં સરેરાશ ૧૧ કિલોગ્રામ છાણ, એક દેશી બળદ દિવસમાં સરેરાશ ૧૩ કિલોગ્રામ છાણ અને એક ભેંસ દિવસમાં ૧૫ કિલોગ્રામ છાણ આપે છે. એક ગાયનું એક દિવસનું છાણ એક એકર જમીન માટે એક મહિના માટે પૂરતું છે. આવી રીતના એક ગાયથી ૩૦ એકર ખેતીને એક મહિનામાં પોષણ પૂરું પાડી શકાય. તો ચાલો પ્રાકૃતિક કૃષિને જાણી સમજીને અપનાવીએ અને પ્રકૃતિના સંવર્ધન સાથે ઉત્તમ અર્થોપાર્જન કરીએ.